રાજ્યના ૮ મહાનગરોમાં વરસોથી પોતાના ઢોર-ઢાંખર પશુઓ સાથે વસવાટ કરતા માલધારી સમાજના લોકો માટે મહાનગરથી ૧પ-ર૦ કિ.મી. દૂર માલધારી વસાહતોના નિર્માણ માટે મહાપાલિકાઓને રાજ્ય સરકાર ટોકન દરે જમીન ફાળવશે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતુ.
મહાનગરોમાં આવા પશુઓ ઢોર-ઢાંખરને કારણે ટ્રાફિકમાં અડચણ તેમજ પ્રસંગોપાત માનવીઓને પણ હાનિ-નૂકશાનની ઘટનાઓ બનતી હોય છે. આ સમસ્યા તેમજ માલધારીઓના જીવન નિર્વાહ સમા પશુપાલન વ્યવસાય બેયનો યોગ્ય વિચાર કરીને આવી માલધારી વસાહતો બનાવવા માટે રાજ્ય સરકારે બજેટમાં નાણાં જોગવાઇ કરી છે. આવી માલધારી વસાહતોમાં પશુઓ માટેના શેડ-પાણીની વ્યવસ્થા, વીજળી તેમજ માલધારીઓને રહેવા નાના રહેઠાણ જેવી માળખાકીય સવલતો માટે પણ રાજ્ય સરકાર મદદરૂપ થશે તેમ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું.
ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ ગુજરાત ગોપાલક વિકાસ નિગમના ઉપક્રમે માલધાારી, રબારી-ભરવાડ કોમના પ૧૩ જેટલા લાભાર્થીઓને પશુસહાય સહિત વિવિધ યોજનાઓ અન્વયે રૂ. ૬ કરોડ ૭૭ લાખના ધિરાણ-સહાય ચેક અર્પણ કર્યા હતા.
ગાય, ગંગા, ગીતા અને ગિરીધરની પાલક-પોષક તેમજ તેના પ્રત્યે શ્રધ્ધા આસ્થા ધરાવતી આપણી સંસ્કૃતિમાં ગોપાલક સમાજ ગૌ માતાની વિશેષ ચિંતા જતન-સંવર્ધન પરંપરાગત પશુપાલન વ્યવસાય દ્વારા કરતો રહ્યો છે. ‘‘આ સરકાર સૌ સમાજ વર્ગોને વિકાસના સમાન અવસર આપીને સૌના સાથ સૌના વિકાસના મંત્રને સાકાર કરનારી છે’’, તેમ વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણ જણાવ્યું હતું.
ગોપાલક વિકાસ નિગમે ર૦૦ર-૦૩થી ૨૦૧૭-૧૮ના વર્ષ સુધીમાં માલધારી સમાજના ૬૩૭૭ લાભાર્થી સહિત ૭૩૪૦ લાભાર્થીઓને કુલ ૪૩.૬પ કરોડની સહાય ધિરાણ આપી છે.