હેપ્પી બર્થડે ગુજરાત !! મા ભારતીના પનોતા પુત્ર ગુજરાતનો આજે જન્મદિવસ. મારા તમારા અરે આપણા લાડીલા ગુજરાતનો આજે જન્મદિવસ.
દ્વારિકાના નાથ ભગવાન શ્રીકૃષ્ણનું ગુજરાત, હળાહળ વિષ પીનારા દેવોના દેવ મહાદેવ સોમનાથનું ગુજરાત, વીરપુરના સંત જલારામનું ગુજરાત, બાપાસીતારામ નું ગુજરાત, સત્ય અહિંસા ની આંધી એવા મહાત્મા ગાંધીનું ગુજરાત, સંત શ્રી પુનિતનું ગુજરાત, વિશ્વવંદનીય સંત વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજનું ગુજરાત, શહીદ વસંત રજબનું ગુજરાત, ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રણછોડરાયનું ગુજરાત, વૈષ્ણવજન તો તેને રે કહીએ…. ભક્ત નરસિંહ મહેતાનું ગુજરાત, મેંદી તે વાવી માંડવે ને એનો રંગ ગયો ગુજરાત રે…. મા જગદંબાના ગરબે ઘૂમતી ગુજરાતણોનું ગુજરાત, સોળ વરસની ચારણ-કન્યા અને કસુંબલ રંગના રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીનું ગુજરાત, દુનિયાભરના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓના હૃદય વસેલું ગુજરાત, વેપારી ધીરુભાઈ અંબાણી અને કરસનભાઈ પટેલનું ગુજરાત, જેની એક ત્રાડે દુનિયા ડોલે એવા સિંહ સમ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી નું ગુજરાત, માતાના ઉદરમાં શ્વાસ લઈ રહેલા શીશુનુ ગુજરાત, મહેકતી માટીમાં આળોટતા બાળકનું ગુજરાત, ખુલી આંખે સોનેરી ભવિષ્યના શમણા જોતા થનગનતા યુવાનોના સોનલ સૂરજનું ગુજરાત, નારીઓના સ્નેહ,સન્માન અને પ્રેમની ગાથા એટલે ગુજરાત, ભૂલો ભલે બીજું બધું માબાપને ભૂલશો નહી.
માતપિતાના અવિરત વહેતા આશીર્વાદ એટલે ગુજરાત, સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સલામતી એટલે ગુજરાત.. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત…જન્મદિવસની શુભકામનાઓ સહ જય જય ગરવી ગુજરાત…