અમદાવાદઃ ગુજરાત રાજયમાં શિક્ષણના કથળેલા સ્તર, વિદ્યાર્થીઓ અને વાલીઓના આર્થિક શોષણ, ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોની માન્યતાને લઇ ઉઠેલા વિવાદ સહિતના પ્રશ્નોને લઇ વિદ્યાર્થીઓ અને નાગરિકોના હિત માટે સતત લડત ચલાવતી જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગામી દિવસોમાં આવેદનપત્ર આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૨૩મી ઓગસ્ટના રોજ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના ડિગ્રી પ્રદાન સમારંભમાં હાજરી આપવાના છે ત્યારે જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ પીએમ મોદીને આવેદનપત્ર આપવાની અને મોદીની મુલાકાત ટાણે આશ્ચર્યકારક કાર્યક્રમ આપવાની ચીમકી ખુદ સમિતિના પ્રમુખ પ્રકાશ કાપડિયા, હાઇકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી રોહિત પટેલ અને ઉપપ્રમુખ અમિત પટેલે ઉચ્ચારતાં શિક્ષણજગતમાં ચકચાર મચી ગઇ છે. તો, બીજીબાજુ, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીના ડિગ્રી પ્રદાન સમારંભમાં વડાપ્રધાનની મુલાકાત દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે વાતને લઇ તંત્ર પણ અત્યારથી જ સતર્ક થઇ ગયું છે.
અગાઉ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીના ડિગ્રી પ્રદાન સમારંભને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૨૦ જૂલાઇએ આવવાના હતા, પરંતુ યુનિવર્સિટીના ડિગ્રી સર્ટિફિકેટ્સની માન્યતાને લઇ સર્જાયેલા વિવાદ વચ્ચે વડાપ્રધાનની મુલાકાત ટાળવામાં આવી હતી અને હવે તા.૨૩મી ઓગસ્ટે યુનિવર્સિટીના ડિગ્રી પ્રદાન સમારંભમાં વડાપ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું છે તે અંગે જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિના પ્રમુખ પ્રકાશ કાપડિયા અને હાઇકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી રોહિત પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીનું સંચાલન રાજયના ગૃહ અને શિક્ષણ વિભાગ દ્વારા થાય છે. જયાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પાસેથી માસ્ટર ડિગ્રી માટે નિયત ફી કરતાં ખૂબ ઉંચી અને અસહ્ય ફી વસૂલવામાં આવી રહી છે. એટલું જ નહી, કેટલાક કોર્સ અને અભ્યાસક્રમમાં એઆઇસીટીઇની જરૂરી માન્યતા પણ નહી હોવાથી વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી અંધારામાં રહે છે.
તેમણે ઉમેર્યું કે, સરકાર દ્વારા ઘડાયેલી ફી રેગ્યુલેટરી કમીટી માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. કમીટી વિદ્યાર્થી અને વાલીઓના હિતનું રક્ષણ કરવામાં સરેઆમ નિષ્ફળ ગઇ છે. આ જ પ્રકારે રાજયની એન્જિનીયરીંગ કોલેજોમાં શિક્ષણનું સ્તર ચિંતાજનક હદે કથળયું છે અને જેના કારણે વિદ્યાર્થીઓની કારકિર્દી જોખમાઇ છે.