ગુજરાત ચૂંટણી પંચે રાજ્યની 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો કરી જાહેર

Rudra
By Rudra 3 Min Read

ગાંધીનગર : ગુજરાત ચૂંટણી પંચના કમિશનર દ્વારા રાજ્યમાં ૨.૫ વર્ષથી ખોરંભે મુકાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના ચૂંટણી કમિશનર ડો એસ મુરલીકૃષ્ણ ચૂંટણીની જાહેરાત કરતા માહિતી આપી કે આ ચૂંટણી કાર્યક્રમમાં ચૂંટણીનું જાહેરનામું ૨જી જૂન ૨૦૨૫ના બહાર પાડવામાં આવશે. જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૯ જૂન ૨૦૨૫ રહેશે. ૨૨ જૂન ૨૦૨૫ના રોજ મતદાન યોજાશે અને મત ગણતરી ૨૫ જૂન ૨૦૨૫ના રોજ થશે.

મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ ૨૭ મી મે ૨૦૨૫ ના રોજ કરવામાં આવી હતી અને આજે ચૂંટણી જાહેરાત કરવામાં આવી છે. આજથી આચારસંહિતા અમલમાં આવશે. કુલ ૮૩૨૬ પંચાયતોમાંથી ૪૬૮૮ પંચાયતોમાં (સામાન્ય/વિભાજન/મધ્યસત્ર ચૂંટણી) જ્યારે ૩૬૩૮ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે.

રાજ્ય ચૂંટણી કમિશ્નર એસ. મુરલીક્રિષ્ણાએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપતા કહ્યું હતું કે, આજે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ૨૨ જૂને રાજ્યની ૮૩૨૬ ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાશે. જ્યારે ૨૫ જૂને પરિણામ જાહેર કરાશે. સોમવારે બીજી જૂને જાહેરનામું પ્રસિદ્ધ થશે. ૩૬૩૮ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે. ૯ જૂન ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. ૧૦ જૂને ઉમેદવારી પત્રની ચકાસણી હાથ ધરાશે. ૧૧ જૂન ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિત લાગુ થશે.

૧.૩૦ કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

બીજી જૂને ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે.૪૬૮૮ ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી યોજાશે. ૨૨ જૂને સવારે સાત વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન યોજાશે. ૧.૩૦ કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. ૧૬૫૦૦ મતદાન મથકો પર મતદાન યોજાશે. બેલેટ પેપરથી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. ૫૧૧૫ સરપંચોની બેઠક પર મતદાન થશે. ૨૮૩૦૦ જેટલી મતપેટીઓનો ઉપયોગ થશે.

૪૪૮૫૦ વોર્ડમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે

રાજ્ય ચૂંટણી કમિશ્નર એસ. મુરલીક્રિષ્ણાએ વધુમાં કહ્યું હતું કે, મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ ગઈકાલે થઈ ચૂકી છે.ગ્રામ પંચાયતની ચૂંટણી છે ત્યાં આચાર સંહિતા અમલમાં આવશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ટોયલેટ માટે એફિડેવિટની જરૂર નથી પણ સેલ્ફ ડેક્લરેશન આપવાનું રહેશે. ૪૪૮૫૦ વોર્ડમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. તેમણે કહ્યું હતું કે, ચૂંટણીમાં મોડુ થયું છે. ઝવેરી કમિશનની અમલવારી પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કરી છે. હવે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે અમલવારી કરવામાં આવી છે.

આ ચૂંટણીમાં ૧૨ વોર્ડ સુધી ખર્ચ મર્યાદા ૧૫ હજાર

તેમણે ઉમેર્યું હતું કે, ચોમાસાની સિઝનમાં અગાઉ પણ ચૂંટણી યોજાઈ છે. વિધાનસભાની પેટા ચૂંટણી સાથે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. કડી વિધાનસભા મત વિસ્તારમાં ૧૦૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થશે.જ્યારે વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં ૭૫ ગ્રામ પંચાયતની ચૂંટણી થશે.૩૦ જૂન સુધીની બાકી રહેતી તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ૧૨ વોર્ડ સુધી ખર્ચ મર્યાદા ૧૫ હજાર રખાઈ છે.જ્યારે ૧૩ થી ૨૨ વોર્ડ સુધી ખર્ચ મર્યાદા રૂપિયા ૩૦ હજાર રખાઈ છે.૨૨ વોર્ડથી ઉપર ખર્ચ મર્યાદા ૪૫ હજાર રૂપિયા રહશે.

Share This Article