નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગઇકાલે દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ‘આયુષ્યમાન ભારત-નેશનલ હેલ્થ પ્રોટેકશન મિશન’ યોજનાના અમલીકરણ માટે વિવિધ રાજ્યોના આરોગ્ય મંત્રીશ્રીઓના બોલાવેલ કોંકલેવ -૨૦૧૮માં ભાગ લેતાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારે વર્ષ-૨૦૧૨માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ‘મુખ્યમંત્રી અમૃતમ’ (મા) યોજના હેઠળ ૪૦ લાખ બીપીએલ પરિવારોને આવરી લેવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે આ યોજના કાર્યાન્વિત કરી હતી. જેમાં એપ્રિલ ૨૦૧૮ સુધીમાં ૧૦.૨૪ લાખ લાભાર્થીઓને કુલ ૧૪૫૦.૩૬ કરોડ દાવાની રકમની ચૂકવણી કરવામાં આવી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાએ ‘આયુષ્યમાન ભારત’ હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદોને હેલ્થ ઈન્સ્યુરન્સ નીચે આવરી લેવા માટે રાજયોના સૂચનો મેળવવા બોલાવેલ બેઠકને સંબોધતા શ્રી નીતિનભાઈ પટેલે ઉમેર્યું હતું કે ૨૦૧૪ની સાલથી ‘મા વાત્સલ્ય’ યોજનામાં વ્યાપક વધારો કરી મધ્યમ વર્ગોના લોકો કે જેઓની આવક ૩ લાખથી ઓછી છે તેવા પરિવારોને પણ વિવિધ રોગોની સારવાર મળી શકે તે માટે આવરી લેવામાં આવ્યા છે અને આવા પરિવારોમાંથી કોઈપણ વ્યક્તિ બિમાર પડે અથવા સારવારની તાત્કાલિક જરૂરિયાત ઊભી થાય તો રાજ્યની ૧૮૫ ખાનગી અથવા સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર લઈ શકે છે. અને આવી સારવાર પાછળ રાજ્ય સરકાર દર વર્ષે રૂ.૬૫૦ કરોડથી રૂ.૭૦૦ કરોડનો ખર્ચ કરી રહી છે. કોઈ પરિવારમાં સીનીયર સીટીઝન હોય તો
રૂ.૬ લાખની મર્યાદિત આવકવાળા પરિવારોને પણ આવરી લેવામાં આવ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ભારત સરકારની ‘આયુષ્યમાન ભારત-નેશનલ હેલ્થ પ્રોટેકશન મિશન’ યોજનાની નીચે સમગ્ર દેશના ૫૫ કરોડ લોકોને આવરી લેવાની યોજના છે તે અંગ સૂચન કરતાં નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે આ યોજના હેઠળ ઈન્સ્યોરન્સ માટે યોગ્ય કાળજી લઈને યોજનાની ડિઝાઈન તૈયાર કરવી જોઈએ, જેથી દર્દીઓને સરળતાથી અને સમયબદ્ધ રીતે સારવાર મળી શકે તેમજ ગેરરીતિ માટે અવકાશ ન રહે.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં મુખ્યમંત્રી અમૃતમ (મા) અને ‘મા વાત્સલ્ય’ યોજનાની સફળતાના આધારે ‘આયુષ્યમાન ભારત’ નું અમલીકરણ કરવા ગુજરાત સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગનું વાર્ષિક બજેટ રૂ. ૯૦૦૦ કરોડનું છે. કેન્દ્ર સરકારે ‘આયુષ્યમાન ભારત’ યોજનાનો રેશિયો ૬૦:૪૦નો રાખ્યો છે તેમાં ફેરફાર કરી રાજ્ય સરકારો પર ઓછો નાણાકીય બોજ પડે તે બાબતની વિચારણા કરવા કેન્દ્રીય મંત્રીને વિનંતી કરી હતી.
આજે આયુષ્યમાન ભારત નેશનલ હેલ્થ પ્રોટેકશન મિશનના અમલીકરણ હેઠળ રાજય સરકારે ભારત સરકાર સાથે એક એમ. ઓ. યુ. સાઈન કર્યું હતું.
જાહેર આરોગ્ય વિભાગના અગ્ર સચિવ અને હેલ્થ કમિશનર ડૉ.જયંતિ રવિ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.