અમદાવાદ : આવતીકાલે તા.૨જી જૂલાઇથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. સતત ૨૧ દિવસ સુધી ચાલનારા આ બજેટ સત્રના પ્રથમ દિવસે જ રાજયના નાણાંમંત્રી નીતિન પટેલ દ્વારા ગુજરાત રાજયનું બજેટ રજૂ કરવામાં આવશે. બીજીબાજુ, વિપક્ષ કોંગ્રેસ દ્વારા સુરત અગ્નિકાંડ, ખાતર-પાણી, દલિતોના મુદ્દે વિધાનસભામાં સરકાર પર પસ્તાળ પાડવાની તૈયારી કરી રખાઇ છે, જેને લઇ વિધાનસભામાં બજેટ સત્ર દરમ્યાન ભારે હંગામો અને હોબાળો જોવા મળે તેવી પણ પૂરી શકયતા છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારને સાણસામાં લેવાના તમામ એજન્ડા તૈયાર રખાયા છે.
તો, ભાજપ વિપક્ષની રણનીતિને નિષ્ફળ સાબિત કરવા લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ રજૂ થનારા આ બજેટમાં કેન્દ્રની નવી મોદી સરકારના ૧૦૦ દિવસના એજન્ડા મુજબ, રોજગારી અને જીડીપી પર વધુ ધ્યાન આપે તેવી પૂરી શકયતા છે. આ વખતના બજેટમાં ખાસ કરીને લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોની સાથે કૃષિ અને પાણીને વધુ પ્રાધાન્ય અપાશે તેવુ મનાઇ રહ્યું છે. આવતીકાલથી શરૂ થનારા બજેટ-ચોમાસુ સત્ર દરમ્યાન સંસ્કૃત એજ્યુકેશન બોર્ડ, અશાંત ધારો, સ્ટેમ્પ ડ્યુટી, રેવન્યુ એક્ટ અને ટાઉન પ્લાનિંગ સહિતના મહત્વના આઠ બીલો રજૂ કરવામાં આવશે.
આગામી તા. ૨થી ૨૩ જુલાઈ સુધી ફરી એકવાર રૂપાણી સરકારની કસોટી થશે. આવતીકાલે તા.૨ જુલાઈના રોજ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે આ સત્રમાં રૂપાણી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે. જેથી ૨૧ દિવસ સુધી ચાલનારા આ સત્રમાં નાણાંમંત્રી નીતિન પટેલ દ્વારા નવી યોજનાઓ, નીતિઓ અને જોગવાઈઓ સાથેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. તેની સાથે સાથે ૮ બીલો પણ ગૃહમાં પસાર કરવામાં આવે એવી શક્યતા છે. બજેટની સાથે સાથે એકબાજુ, સરકાર મોદી સરકારના એજન્ડા મુજબ, વિકાસ અને પ્રજાલક્ષી જાહેરાતનો સહારો લેશે તો બીજીબાજુ, મુખ્ય વિરોધપક્ષ કોંગ્રેસ રૂપાણી સરકારને ખાતર-પાણી, દલિતો અને સુરત અગ્નિકાંડ સહિતના અનેકવિધ મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરશે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીના કારણે ગુજરાત સરકારે ફેબ્રુઆરી માસમાં સંપૂર્ણ બજેટ રજૂ કરવાને બદલે વોટ ઓન એકાઉન્ટ રજૂ કરીને આગામી છ મહિનાના ખર્ચાની જોગવાઈ પસાર કરી હતી. સામાન્ય રીતે વિધાનસભાનું સત્ર છ મહિને બોલાવવામાં આવે છે, જેની જોગવાઈ અનુસાર જુલાઈ મહિનામાં વિધાનસભાના ચોમાસુ સત્ર દરમ્યાન સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરવા જઇ રહી છે, જેના માટેની તૈયારી નાણાં વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે. નાણાં વિભાગે કરેલી તૈયારીના ભાગરૂપે બજેટ માટેના ૬૪થી વધુ બજેટ પ્રકાશનો તૈયાર કરવામાં આવ્યા છે અને ઓગસ્ટ-૨૦૧૯થી માર્ચ-૨૦૨૦ સુધીના ખર્ચ માટેનું ફેરફાર કરેલું બજેટ રજૂ થશે.
અગાઉ લેખાનુદાન સમયે બજેટનું કદ રૂ.૧.૯૧ લાખ કરોડ નક્કી કર્યું હતું. જેમાંથી ચાર મહિનાના ખર્ચ પેટે રૂ.૬૩૯.૩૯ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. જા કે, હવે આ જુલાઈમાં રજૂ થનારા બજેટમાં સુધારેલા અંદાજ મુજબ, બજેટનું કદ રૂ.૧.૯૧ લાખ કરોડથી વધીને રૂ.૨ લાખ કરોડ સુધી પહોંચી જવાની શક્યતાઓ છે. બજેટને લઇ સરકાર ઉત્સાહિત છે, તો વિપક્ષ સરકાર પર જારદાર પ્રહારો સાથે પસ્તાળ પાડવાના મૂડમાં છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. હાલમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર તમામ ૨૬ સીટો જીતીને નવો રેકોર્ડ સર્જ્યો હતો. સતત બીજી લોકસભાની ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો જીતીને સપાટો બોલાવ્યા બાદ લોકો પણ ભારે અપેક્ષા રાખી રહ્યા છે. રોજગારીને લઇને જારદારરીતે મુદ્દો ઉઠ્યા બાદ બજેટમાં આને લઇને કોઇ મોટી જાહેરાત થઇ શકે છે.