અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦નું પરિણામ તા.૨૮મી મેએ અને ધોરણ-૧૨નું પરિણામ તા.૩૧મી મેએ જાહેર થશે. આ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી ૧૮.૫૦ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાઓ માટે ૧૩૭ ઝોનમાં આવેલા ૧૬૦૭ કેન્દ્રો પર પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરીક્ષામાં ૮૫ હજાર કર્મચારીઓ હાજર રહ્યાં હતા. રાજ્યના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા તા.૭મી માર્ચથી શરૂ થઇ હતી ત્યારે હવે પરિણામની તારીખો સામે આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહની સાથે સાથે સહેજ ગભરાહટ અને થોડા ટેન્શનની લાગણી પ્રવર્તી રહી છે.
બીજીબાજુ, રાજ્યમાં બોર્ડની પરીક્ષા બાદ હવે પરિણામને લઇને શિક્ષણ બોર્ડ દ્વારા પણ તમામ તૈયારીઓ પુર્ણતાના આરે છે. ગુજરાતમાં તા.૭થી ર૩ માર્ચ દરમિયાન ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઇ હતી. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ માટે કુલ ૧૩૭ ઝોનમાં આવેલા ૧૬૦૭ કેન્દ્રો કે જેમાં ૫૮૭૪ બિલ્ડીંગોનો સમાવેશ થતો હતો. તેના ૬૩૬૧૫ પરીક્ષા ખંડોમાં પરીક્ષાઓ લેવાઇ હતી.
ધોરણ-૧૦ અને ૧૨માં આ પરીક્ષાઓમાં કુલ ૧૩૫ જેટલા વિષયોની પરીક્ષાઓ લેવાઇ હતી. પરીક્ષાની કામગીરીમાં કુલ ૮પ,૦૦૦થી વધુ કર્મચારીઓ કાર્યરત રહ્યા હતા. આ બંને પરીક્ષાઓમાં કુલ ૧૮.૫૦ લાખ વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી. આ પરીક્ષાઓ અંતર્ગત એસ.એસ.સી. માટે કુલ ૮૧ અને એચ.એસ.સી. માટે કુલ ૫૬ ઝોનની રચના કરાઈ હતી. ધોરણ-૧૦નું પરિણામ તા.૨૮મી મેએ અને ધોરણ-૧૨નું પરિણામ તા.૩૧મી મેના રોજ જાહેર થવાની વાત સામે આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પરિણામને લઇ ઇન્તેજારીની સાથે સાથે સ્વાભાવિક ચિંતા અને ગભરાહટ પણ ફેલાઇ છે. જે વિદ્યાર્થીઓના પેપર સારા ગયા છે તે બિન્દાસ છે.