ગુજરાત : ભાજપ-કોંગ્રેસના તમામ ૨૬ ઉમેદવાર જાહેર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : આગામી તા.૨૩ એપ્રિલના રોજ યોજાનારી ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકોના ઉમેદવારી ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો જાહેર કરી દીધા છે. આમ ફરી એકવાર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બે રાષ્ટ્રીય પક્ષો વચ્ચે મરણિયો અને અત્યંત પ્રતિષ્ઠાભર્યો સીધો જંગ જામશે. આજે તા.૪ એપ્રિલે ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે ભાજપ અને કોંગ્રેસના બાકી ઉમેદવારોએ પણ પોતપોતાના ઉમેદવારી ફોર્મ ભરી દીધા હતા. આજે ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના ઉમેદવારોના ઉમેદવારીપત્રો ભરાઇ ગયા બાદ હવે આવતીકાલથી બન્ને રાજકીય પક્ષોના ઉમેદવારોના પ્રચાર ઝૂંબેશનો પ્રથમ તબક્કો શરૂ થશે. ભાજપે તેના ૨૬ સાંસદમાંથી ૧૦ની ટિકિટ કાપી છે જ્યારે ૧૬ને રિપીટ કર્યા છે.

જ્યારે કોંગ્રેસે ૮ વર્તમાન ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપી છે, જ્યારે ભાજપે મંત્રી પરબત પટેલ સહિત ત્રણ ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે ૨૬ બેઠકોમાંથી ૩૩ ટકાને બદલે માત્ર ૨૫ ટકા એટલે કે ૬ મહિલાઓને ટિકિટ આપી છે. જેમાં ભારતીબેન શિયાળ (ભાવનગર), પૂનમ માડમ(જામનગર), રંજનબેન ભટ્ટ(વડોદરા), દર્શના જરદોશ(સુરત), ગીતાબેન રાઠવા(છોટા ઉદેપુર), શારદાબેન પટેલ( મહેસાણા)નો સમાવેશ થાય છે.

બીજી બાજુ કોંગ્રેસે સમ ખાવા પુરતી માત્ર એક મહિલા ઉમેદવાર ગીતા પટેલ(અમદાવાદ પૂર્વ)ને ટિકિટ આપી છે. આમ, કોંગ્રેસમાં આ વખતની લોકસભા ચૂંટણીમાં પણ મહિલા ઉમેદવારોની ઉપેક્ષા કરવાનું ચિત્ર સામે આવ્યું છે. આજે ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે ભાજપના પરબત પટેલ સહિતના બાકી ઉમેદવારો અને કોંગ્રેસના જગદીશ ઠાકોર સહિતના ઉમેદવારોએ પોતપોતાના ઉમેદવારી ફોર્મ ભરી દીધા હતા.

Share This Article