ગાંધીનગર : ગુજરાત ભાજપ દ્વારા જિલ્લામાં અને શહેરમાં નવા ભાજપ પ્રમુખોના નામોને લઈને મહત્વપૂર્ણ પ્રકિયા હાથ ધરાઈ છે. લીલીઝંડી આપ્યા બાદ, પ્રસંગે પ્રધાન રુપી પ્રમુખોના નામોનો લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આજે 60 થી 70 ટકા જેટલા શહેર-જિલ્લા પ્રમુખોના નામ જાહેર થવાની છે. જેમાં કેટલાક શહેરમાં ભાજપ પ્રમુખના નામ સામે આવી ગયાં છે.
જો કે, ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ યાદીમાં ઉડીને આંખે વળગે તેવી એક બાબત સંઘ સાથેનો સબંધ પણ જોવા મળે છે. મોટાભાગના પ્રમુખ સંઘ પરિવાર, તેમની સંસ્થા કે તેમના વિચારો સાથે જોડાયેલા છે. એટલે કે ભાજપમાં આંતરીક કલેહ કે જૂથબંધી ટાળવા માટે સંઘના અગ્રણીઓ પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે.
ભાજપ દ્વારા ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે અનિલ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે અનિલ પટેલને ફરી રિપીટ કરવામાં આવ્યાં છે. અનિલ પટેલે કહ્યું કે, પાર્ટીએ મને ફરી એક વખત જવાબદારી આપી છે, ગાંધીનગરમાં દરેક કામ થયા છે અને જે બાકી છે તે કરીશું’. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરી એકવાર ભુરાલાલ શાહના નામની જાહેરાત કરાઈ છે. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભુરાલાલ શાહને પણ રિપીટ કરવામાં આવ્યાં છે. ક્લસ્ટર ઈનચાર્જ જસવંતસિંહ ભાભોરે નામની જાહેરાત કરી છે.
જુનાગઢમાં ભાજપ શહેર પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલિયાની નિયુક્તિ કરવામાં આવી છે. ભાજપ પૂર્વ સાંસદ મોહન કુંડારીયાએ શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયાનું સર્વ સંમતિથી નામ જાહેર કર્યું છે. શહેર પ્રમુખ પુનિત શર્માની પહેલી ટર્મ હતી જે પૂર્ણ થઈ છે. નોંધનીય છે કે, લોહાણા સમાજના ગૌરવ રૂપારેલિયા વિહિપ સંઘ સાથે સંકળાયેલા છે. બનાસકાંઠાની વાત કરવામાં આવે તો, બનાસકાંઠા જિલ્લાના નવા પ્રમુખ તરીકે કિર્તીસિંહ વાઘેલાની ફરી વરણી કરવામાં આવી છે. કીર્તિસિંહ વાઘેલાને ફરી એકવાર જિલ્લા ભાજપ પ્રમુખનું પદ સોંપાયું છે. નોંધનીય છે કે, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલાને જિલ્લા ભાજપ પ્રમુખ બનાવાયા છે.
ભાવનગર શહેર ભાજપ પ્રમુખ માટે કુણાલ ખાંતીલાલ શાહની વરણી કરવામાં આવી છે. કુણાલ શાહ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે રહી ચૂક્યા છે. કુણાલ શાહ 21 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. અગાઉ વોર્ડ પ્રમુખ અને શહેર યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે પણ કુમાર શાહ રહી ચૂક્યા છે.
અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ પદને લઈને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપના નિરીક્ષકો આવ્યા હતા. જેમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ ધારી ભાજપના પાયાના પથ્થર ગણાતા અતુલ કાનાણી પર જિલ્લા ભાજપ પ્રમુખનો કળશ ઢોળાયો હતો. ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવા પ્રમુખની નિમણૂકને લઈને જિલ્લા ભાજપના નેતાઓ સાંસદ ભરત સુતરીયા, પૂર્વ સાંસદ નારણ કાછડીયા, સાથે ભરત બોધારા સહિતના નેતાઓ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા.