ગુજરાત એટીએસ દ્વારા રવિવારની સવારે ત્રણ એવા લોકોની ધરપકડ કરવામાં આવી છે જેઓ કોઈ મોટા પ્લાન સાથે ગુજરાત આવ્યા હતા તેવી શંકાઓ છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને એટીએસ દ્વારા આ કેસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા કરવામાં આવી શકે છે.
અમદાવાદઃ ગુજરાત એટીએસ દ્વારા રવિવારે સવારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ બાદ જે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે તેમાં કેટલાક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ગુજરાત સહિત દેશ પર મોટા ખતરો હોવાનો ખુલાસો થયો છે. આ અંગેની સત્તાવાર માહિતીનો ખુલાસો એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવી શકે છે. ઝડપાયેલા ત્રણ લોકોનો પ્લાન શું હતો અને તેમને કેવા પ્રકારની કામગીરી સોંપાઈ હતી તથા તેમના તાર ક્યાં જોડાયેલા હતા તે સહિતની માહિતી બહુ જલદી સામે આવશે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે. જોકે, આ પહેલા જે પ્રાથમિક માહિતી સામે આવી છે તે પણ હચમચાવી દેનારી છે.
આ આંતકીઓના તાર આઈએસઆઈએસ સાથે જોડાયેલા હોવાનું પણ સામે આવી રહ્યું છે. દેશભરમાં હચમચાવી દેનારી ઘટનાને અંજામ આપવા માટેનું પ્લાનિંગ ચાલી રહ્યું હોવાનો પણ ખુલાસો થઈ રહ્યો છે. કેટલાક માહિતી એવી સામે આવી રહી છે જેના પર સત્તાવાર માહિતી સામે આવી નથી પરંતુ મોટી શંકાઓ વ્યક્ત કરાઈ રહી છે. કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવાઈ રહ્યું છે કે પકડાયેલા આતંકીઓ હથિયાર એક્સ્ચેન્જ માટે ગુજરાત આવ્યા હતા.
પકડાયેલા ત્રણ આતંકીઓમાંથી બે યુપીના અને એક હૈદરાબાદનો રહેવાસી હોવાની માહિતી મળી રહી છે. આ ત્રણેની ગાંધીનગર પાસેથી ધરપકડ કરાઈ હોવાની વિગતો સામે આવી રહી છે, જોકે, આ તમામ શંકાઓ અને પ્રાથમિક માહિતી છે પરંતુ આજે બપોરે એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે તેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવનાઓ જોવામાં આવી રહી છે.
