નવીદિલ્હી: જીએસટી કાઉન્સિલની બેઠકમાં હાલમાં જ ટેક્સમાં કાપ મુકવામાં આવ્યા બાદ એવી અપેક્ષા જાગી હતી કે, ટીવી અને કાર જેવી ચીજો સસ્તી થશે પરંતુ આના ઉપર હવે પાણી ફરી જાય તેવી શક્યતા છે. આનું મુખ્ય કારણ એ છે કે, રૂપિયામાં સતત ઘટાડો થઇ રહ્યો છે જેના પરિણામ સ્વરુપે આ પ્રોડક્ટ સાથે જોડાયેલા પાર્ટની આયાત મોંઘી સાબિત થઇ રહી છે. હવે ટીવી અને કાર બનાવતી કંપનીઓ કિંમતોમાં વધારો કરવા વિચારણા કરી રહ્યા છે.
અમેરિકામાં વ્યાજદરમાં થયેલા વધારા અને ટ્રેડવોરના પરિણામ સ્વરુપે અનિશ્ચિતતાના વાદળો ઘેરાઈ ગયા છે. છેલ્લા કેટલાક મહિનામાં ડોલરમાં મજબૂતી આવી છે. રૂપિયાની સરખામણીમાં ડોલર ખુબ મજબૂત થઇ રહ્યો છે. રૂપિયો હાલના દિવસોમાં એશિયામાં સૌથી નિરાશાજનક દેખાવ કરનાર કરન્સી પૈકી એક છે. આ સ્થિતિથી સંકેત મળે છે કે, રૂપિયામાં ઘટાડાનો દોર આગામી થોડાક દિવસ સુધી જારી રહી શકે છે. રૂપિયામાં ઘટાડો થવાના પરિણામ સ્વરુપે આયાત મોંઘી થઇ છે. સ્થાનિક કંપનીઓ માટે ઉત્પાદનનો ખર્ચ વધી રહ્યો છે. મારુતિ સુઝુકીના સિનિયર અધિકારી કાલ્સીનું કહેવું છે કે, રૂપિયામાં ઘટાડો થવાના પરિણામ સ્વરુપે હાલત કફોડી બની ગઈ છે. કિંમતોમાં મૂલ્યાંકન કરી શકાય છે.
દેશની સૌથી મોટી કાર બનાવતી કંપની મોટાપાયે સ્થાનિક સ્થરે નિર્માણનું કામ કરે છે પરંતુ હવે ખરીદી અથવા તો ત્યારબાદ વેન્ડર્સની ખરીદી માટે ડોલર ઉપર આધાર રાખવાની જરૂર પડે છે. કંપનીને બહારથી ઇલેક્ટ્રીકલ ઇનર પાર્ટ, ઇસીયુ, એંજિન અને ટ્રાન્સમિશન પાર્ટ મંગાવવા પડે છે. કંપની તરફથી સુઝુકીને રોયલ્ટી પણ ચુકવવાની હોય છે. આવી સ્થિતિમાં હાલત કફોડી બની ગઈ છે. ટોયોટો તરફથી પણ આવી જ પ્રતિક્રિયા આપવામાં આવી છે.