શ્રેણીબદ્ધ વસ્તુ ઉપર GST રેટમાં ઘટાડો : મૂવી ટિકિટ, ટીવી સસ્તા

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

નવી દિલ્હી :  નવા વર્ષની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે લોકોને આજે મોટી રાહત આપી હતી. નવા વર્ષ પહેલા જીએસટી પર મોટી ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ફિલ્મોની ટિકિટ, ટીવી સેટ, કોમ્પ્યુટર, પાવર બેન્ક, ટીવી સ્ક્રીન સહિતની દરરોજ ઉપયોગમાં આવતી ૨૩ ચીજવસ્તુઓ પર જીએસટી રેટમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. આની સાથે જ આ તમામ ચીજા પહેલી જાન્યુઆરી ૨૦૧૯થી સસ્તી થશે. આજે જે ચીજવસ્તુ પર દર ઘટાડવામાં આવ્યા છે તે દર પહેલી જાન્યુઆરીથી લાગુ થશે. જે ચીજવસ્તુઓ પર ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. તેમાં ૧૭ ચીજ વસ્તુઓ અને છ સર્વિસનો સમાવેશ થાય છે. છ વસ્તુને ૨૮ ટકાના સ્લેબમાંથી ઘટાડીને ૧૮ ટકાના જીએસટી સ્લેબમાં મુકવામાં આવી છે.

નાણામંત્રી અરૂણ જેટલીએ જીએસટી કાઉન્સિલની બેઠક બાદ આજે આ અંગેની જાહેરાત કરી હતી. જીએસટી કાઉન્સિલની બેઠક બાદ બેઠકમાં થયેલી ચર્ચા અંગે માહિતી આપવામાં આવી હતી. સિમેન્ટ પર જીએસટીના દરોમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. તેના ઉપર પહેલાની જેમ જ ૨૮ ટકા ટેક્સ રહેશે. કાઉન્સિલની ૩૧મી બેઠક બાદ કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ માહિતી આપતા કહ્યું હતું કે કુલ ૨૩ વસ્તુઓ અને સેવા ઉપર જીએસટીના દર ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૧૭ વસ્તુઓ પર જીએસટી ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા અથવા તો પાંચ ટકા કરવામાં આવ્યો છે. છ વસ્તુઓને જીએસટીના ૨૮ ટકાના સ્લેબમાંથી લઈને ૧૮ ટકાના સ્લેબમાં મુકવામાં આવી છે. સિમેન્ટ પર દરોને ઘટાડવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. ટાયર, વીસીઆર અને લિથિયમ બેટરીને ૨૮ ટકાના સ્લેબમાંથી ઘટાડીને ૧૮ ટકાના સ્લેબમાં લવાયા છે. ૩૨ ઈંચ સુધીના ટીવી પર દરો ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરાયા છે. ૨૮ ટકાના સ્લેબમાં હવે માત્ર ૩૪ ચીજા રહી ગઈ છે. ૧૦૦ રૂપિયા ઉપરની સિનેમા ટિકિટ ઉપર ૧૮ ટકા જીએસટી લાગશે. ૧૦૦ રૂપિયાથી ઓછાની ટિકિટ પર ૧૨ ટકા જીએસટી લાગશે. ટાયર પર જીએસટી ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરાયો છે. વ્હીલચેર પર જીએસટી ૨૮ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે. ફ્રોજન વેજિટેબલ પર જીએસટી પાંચ ટકાથી ઘટાડીને શૂન્ય ટકા કરાયો છે. ફુટવેર પર જીએસટી ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા અને પાંચ ટકા કરાયો છે. બિલિયર્ડ અને સ્નૂકર પર જીએસટી દર ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરાયો છે. થર્ડ પાર્ટી મોટર ઈન્સ્યોરન્સ પર જીએસટી ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કરાયો છે.

ધાર્મિક યાત્રા પર આ દરો ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા અને પાંચ ટકા કરાયા છે. ઓટો મોબાઈલ્સ, ડીસ વોશર પર દરો યથાવત રખાયા છે. જીએસટી કાઉન્સિલના આ પગલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ નિવેદન ઉપર આધારીત છે જેમાં કહેવામાં આવ્યું હતું કે આવનાર સમયમાં ૯૯ ટકા ચીજા ૧૮ ટકાની હદમાં આવી જશે. સિમેન્ટ પર જીએસટી ઘટાડવાથી ૧૩ હજાર કરોડ રૂપિયાનો બોજ પડી શકે છે. જેથી તેના ઉપર હાલ ચર્ચા થઈ નથી. જીએસટી કાઉન્સિલની આગામી બેઠક જાન્યુઆરીમાં થશે. આજે યોજાયેલી બેઠકમાં રિયલ એસ્ટેટ સેકટર ઉપર ચર્ચા થઈ હતી. નાણામંત્રીએ કહ્યું હતું કે ઓટો પાટ્‌ર્સ ઉપર દરોને ઘટાડવાથી મહેસુલી આવક ઉપર ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનો બોજ પડશે. ફિટમેન્ટ કમિટીની ભલામણોને પણ ધ્યાનમાં લેવામાં આવી છે.

જીએસટી વસુલ અપેક્ષાથી ઓછી રહી છે. છેલ્લા વર્ષે છ મહિનામાં ૩૦ હજાર વળતરની માંગ કરવામાં આવી હતી. ગયા વર્ષે આઠ મહિનામાં ૧૮ હજાર કરોડ રૂપિયાનું વળતર અપાયું હતું. કેરળ સેસ લાગુ કરવાને લઈને પણ વિચારણા ચાલી રહી છે. જે ચીજવસ્તુઓની કિંમતો ઘટી ગઈ છે તેમાં મોનિટર અને ટેલિવિઝન સ્ક્રીન, ટાયર, લેથિયમ બેટરીના પાવર બેન્કનો સમાવેશ થાય છે. તેમના પર સ્લેબ ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકાના કરાયા છે. ખાસ રીતે વિકાલાંગ લોકો માટે પણ રહેલી એસેસરી ઉપર રેટ ઘટાડીને પાંચ ટકા કરાયો છે. સાત વસ્તુઓ પર ટેક્સ રેટ ઘટાડીને તર્કસંગત બનાવવામાં આવી છે. રેટને તર્કસંગત બનાવવાની પ્રક્રિયા નિયમિત રીતે ચાલતી પ્રક્રિયા તરીકે છે. આગામી ટાર્ગેટ હવે સિમેન્ટમાં રેટને તર્કસંગત બનાવવાની બાબત ઉપર રહેશે. પોષાય તેવી કિંમતો રાખવાના પ્રયાસ થશે. માત્ર લકઝરી ચીજવસ્તુઓ જ હવે ૨૮ ટકાના ટેક્સ સ્લેબમાં રહેશે. ઉંચા રેવેન્યુના પરિણામ સ્વરૂપે તેમાં ટેક્સ સ્લેબમાં કોઈ ઘટાડો કરાશે નહીં.

Share This Article