નવી દિલ્હી : બિલોમાં ચેડા કરીને જીએસટીમાં ચોરી કરવાના બનાવોને રોકવાની દિશામાં સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આના ભાગરૂપે હવે જીએસટી ઇ-બિલિંગ પોર્ટલ શરૂ કરવામાં આવનાર છે. આ પોર્ટલ સપ્ટેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. કરચોરીને રોકવાના ઇરાદા સાથે જુદા જુદા પાસા પર વિચારણા કરવા માટે ૨૦મી જુનના દિવસે જીએસટી પરિષદની બેઠક યોજાનાર છે. જીએસટી પરિષદની બેઠકમાં રાજ્યોની સાથે વાતચીત કરીને કોઇ નિર્ણય કરવામાં આવી શકે છે. કંપનીઓ તરફથી રજૂ કરવામાં આવેલા હેવાલમાં ધ્યાન આપવામા આવી રહ્યુ છે.
વર્ષ ૨૦૧૭-૧૮માં ૬૮૦૪૧ કંપનીઓ દ્વારા ૫૦ કરોડ અથવા તો તેનાથી વધારેનો કારોબાર દર્શાવ્યો છે. જો કે જીએસટી ચુકવણી કરનાર કુલ એકમોમાં આવી કંપનીઓની હિસ્સેદારી માત્ર ૧.૦૨ ટકાની આસપાસ છે. જ્યારે બીટુ બી ઇનવોઇસ જારી કરવામાં તેમની હિસ્સેદારી ૩૦ ટકાની આસપાસ છે. આંકડામાં આ ભારે અંતરથી અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થાય છે. જે સંકેત આપે છે કે ઇ-બિલિંગમાં મોટા પાયે બોગસ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
૫૦ કરોડ અથવા તો વધારેના કારોબારવાળા એકમોને રિટર્ન ફાઇલ કરવા અને ઇનવોઇસ અપલોડ કરવાના કામથી રાહત મળશે. સરકારને ઇનવોઇસના દુરુપયોગને રોકવામાં તથા કરચોરીને રોકવામાં મદદ મળશે. મોદી સરકાર દ્વારા આ દિશામાં સક્રિય કામગીરી શરૂ કરવામાં આવી છે. ૨૦મી જુનના દિવસે યોજાનારી બેઠકમાં આ બાબત પર અંતિમ નિર્ણય કરવામાં આવનાર છે. રાજકીય પક્ષોની નજર પણ તેના પર કેન્દ્રિત થઇ ગઇ છે. નાણાંપ્રધાન નિર્મલા સીતારામનના પગલા પર તમામની નજર છે.