ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભારતભરમાં પ્રથમ પહેલ રૂપે નિર્માણ થયેલી રપ ઇન હાઉસ સ્લીપર કોચ બસનું ૧૮ એપ્રિલે બપોરે ૧-૦૦ કલાકે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સ્વર્ણિમ સંકુલ-૧ થી લોકાર્પણ કરશે. વાહન વ્યવહાર મંત્રી આર. સી. ફળદુ, રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ પણ આ અવસરમાં જોડાશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગુજરાત એસ.ટી. નિગમ રોજના ૩૦ લાખ કિ.મી. સંચાલન દ્વારા ર૪ લાખ મુસાફરોને ૭૧૧૭ બસ મારફતે પરિવહન સેવા પૂરી પાડે છે. આ બસના વિશાળ કાફલામાં દર વર્ષે ૧ર૦૦ થી ૧પ૦૦ બસ તેની આયુમર્યાદા પૂર્ણ થવાને પરિણામે નિગમને નવીન બસો સંચાલનમાં મૂકવાની આવશ્યકતા રહે છે.
એસ.ટી. નિગમ પ્રતિ વર્ષ ૧ર૦૦ બસ બોડી નિર્માણની ઇન્સ્ટોલ્ડ કેપેસીટી સાથે એશિયાનું સૌથી મોટું વર્કશોપ ધરાવે છે. એસ.ટી. નિગમને આ વર્ષમાં ૧પ૦૦ સુપર એકસપ્રેસ અને ૩રપ સેમી લકઝરી બસની ચેસીસ ખરીદી ઇન હાઉસ બસ બોડી બનાવવાની મંજૂરી રાજ્ય સરકારે આપી છે. ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા આ ઇન હાઉસ બસ બોડી બનાવવાની કામગીરીને પરિણામે વાર્ષિક રૂ. ર૦ કરોડ જેટલી બચત થવાની છે.