સુરતમાં અંદાજે રૂા.૬૦૦ કરોડના ખર્ચે વધુ એક ‘‘ગ્રીનફીલ’’ રીંગરોડ બનાવવામાં આવશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સુરતઃ– સુરત શહેરના ભારણમાં ઘટાડો કરવા માટે નવો રીંગરોડ બનાવવાનું આયોજન ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું હોવાની વિગતો પત્રકાર પરિષદમાં ભારત સરકારના કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, શીપીંગ, કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આપી હતી

મંત્રી માંડવિયાએ જણાવ્યું હતું કે, ભારત સરકારની ‘‘ભારતમાલા’’ પરિયોજના અંતર્ગત શહેરમાં વધુ એક ‘‘ગ્રીનફીલ’’ રીંગરોડ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. આગામી ૫૦ વર્ષની વસ્તીને ધ્યાનમાં લઈને શહેરથી અંદાજીત ૧૫ કિ.મી. દુર એક આ ગ્રીનફીલ રીંગરોડ તૈયાર કરવામાં આવશે. આ કામ અંગે ડી.પી.આર. બનાવવાનું કામ ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે. મંત્રીશ્રીએ કહ્યું કે, ભારતમાલા પરિયોજના હેઠળ સમગ્ર ભારતમાં ગુજરાતમાં સુરતની પસંદગી કરવામાં આવી છે અને ખૂબ ઝડપથી આ કામ પૂર્ણ કરવાની પ્રતિબધ્ધતા તેમણે વ્યકત કરી હતી.

વધુ વિગતો આપતા મંત્રીએ કહ્યું કે, આ રીગરોડનું નિર્માણ થતા સુરત શહેરના વિસ્તાર વિકાસને ખૂબ મોટો વેગ મળશે તથા શહેરના ટ્રાફીકનું ભારણ ઘટાડી શકાશે. આગામી ૫૦ વર્ષની જરૂરીયાતને ધ્યાને રાખીને ભારત સરકાર દ્વારા આ રીંગરોડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ રીંગરોડના નિર્માણથી શહેરની માળખાકીય સુવિધામાં ખૂબ મોટો ઉમેરો થશે તથા ઔદ્યોગિક વિકાસમાં નવી દિશા ખુલશે.

શહેરનો રીંગરોડ બનાવવા માટે હાલ હયાત રસ્તો સચીન થી ઈચ્છાપોર અને ઈચ્છાપોરથી ગોથાણ ઉપલબ્ધ છે. જયારે ગોથાણથી સચિનનો નવો માર્ગ અંદાજીત રૂા.૬૦૦ કરોડના ખર્ચે ભારત સરકાર દ્વારા બનાવવામાં આવશે.

Share This Article