ચેન્નાઇના ચેપોક મેદાન ખાતે આવતીકાલે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ વનડે મેચ રમાનાર છે. ઐતિહાસિક ચેપોક મેદાન ખાતે કેટલીક યાદો પહેલાથીજ જોડાયેલી છે. ટીમ ઇન્ડિયા ટ્વેન્ટી શ્રેણી ૨-૧થી જીતી લીધા બાદ હવે વનડે શ્રેણીમાં પણ જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. બંને ટીમો ચેપોક ખાતે પહોંચી ગયા બાદ જોરદાર પ્રેકટીસમાં વ્યસ્ત રહી હતી. ભારતીય ટીમ ટ્વેન્ટી બાદ વનડેમાં દમદાર દેખાવ કરવા માટે તૈયારીમાં છે. તમામ સ્ટાર ખેલાડીઓ પર ખાસ નજર રહેનાર છે. ઇજાગ્રસ્ત થયેલા ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનની જગ્યાએ ટીમમાં ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલનો સમાવેશ કરવામા આવ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં સતત શાનદાર દેખાવના કારણે તમામનુ ધ્યાન ખેંચનાર મંયક પાસે હવે વનડે ક્રિકેટમાં જોરદાર દેખાવ કરવાની તક રહેલી છે. મેચમાં ટોસ ચાવીરૂપ ભૂમિકા અદા કરી શકે છે. ચેન્નાઇના મેદાન પર મેચને લઇે તમામ તૈયારી કરી લેવામાં આવી છે.
હાલમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મેચોની શ્રેણી રમાનાર છે. મંયકનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યા બાદ તેના પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ઇજાગ્રસ્ત શિખર ધવન રમનાર નથી. તમામ લોકો સારી રીતે જાણે છે કે સ્થાનિક ટ્વેન્ટી-૨૦ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન દિલ્હી તરફથી રમતા મહારાષ્ટ્ર સામે તેને ઇજા થઇ હતી. જેથી તે ટ્વેન્ટી મેચમાં પણ બહાર રહ્યો હતો. બીજી બાજુ વેસ્ટ ઇન્ડિઝની ટીમ પણ શાનદાર દેખાવ કરવા માટે ઇચ્છુક છે. અત્રે નોંધનીય છે કે ભારતે મુંબઇના વાનખેંડે સ્ટેડિયમ ખાતે રમાયેલી નિર્ણાયક ટ્વેન્ટી-૨૦ શ્રેણીની મેચમાં જીત મેળવી હતી. ભારતે આ મેચમાં વિન્ડીઝ પર ૬૭ રને જીત મેળવી હતી. વેસ્ટ ઇન્ડિઝ ૨૪૨ રનના વિશાળ લક્ષ્યાંકની સામે આઠ વિકેટે ૧૭૩ રન બનાવી શકી હતી.
ભારતીય ટીમ ફેવરીટ તરીકે મેદાનમાં ઉતરનાર છે. દરમિયાન ટીમ ઇન્ડિયામના પૂર્વ કોચ અનિલ કુમ્બલેએ કહ્યુ છે કે ચાર નંબર પર બેટિંગ કરવાની બાબત ખુબ મહત્વપૂર્ણ હોય છે. જેથી ચાર નંબર પર તેમના કહેવા મુજબ શ્રેયસ અય્યરને તક આપી શકાય છે. વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં તે ચોથા નંબર પર બેટિંગ કરી ચુક્યો છે. સાથે સાથે સફળ પણ રહ્યો હતો. આવી સ્થિતીમાં કુમ્બલે અય્યરને નંબર ચાર પર તક મળે તેમ ઇચ્છે છે. કુમ્બલેએ કહ્ય છે કે હાલમાં શિખર ઇજાના કારણે ટીમમાં નથી જેથી લોકેશ રાહુલની પાસે રોહિત શર્માની સાથે ઓપનિંગ કરવાની તક રહેલી છે. અમે શ્રેયસને પણ બેટિંગ કરતા જોઇ ચુક્યા છીએ તે ચાર નંબર પર બેટિંગ કરવા માટે સંપૂર્ણ સક્ષમ છે. તે ચાર નંબર પર એક સારા વિકલ્પ તરીકે રહી શકે છે. ભારતીય ટીમ નીચે મુજબ છે
કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મંયક અગ્રવાલ, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાન્ડે, રિશભ પંત, શિવમ દુબે, કેદાર જાદવ, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર તહલ, કુલદીપ યાદવ, દિપક ચાહર, મોહમ્મદ શમી, ભુવનેશ્વ કુમાર.