સરકાર લાવી સિગરેટ-તમાકુનું સેવન કરનારા માટેની નવી ગાઈડલાઈન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સિગારેટ અને અન્ય તમાકુવાળા પદાર્થોના પેકિંગ મામલે કેન્દ્ર સરકારે નવા નિર્દેશ જાહેર કર્યાં છે. સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર કરેલા નિર્દેશો અનુસાર હવે સિગરેટ અને અન્ય ઉત્પાદોના પેકેટ પર મોટા અક્ષરોમાં તમાકુ સેવન એટલે અકાળ મૃત્યુ લખવામાં આવશે. આપને જણાવી દઈએ કે આ પહેલા તમાકુ ઉત્પાદનોના પેકેટ પર તમાકુ એટલે દર્દનાક મોત લખાયેલુ હતું. સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી સંશોધિત નિયમ ૨૧ જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. નવા નિયમ ૧ ડિસેમ્બર ૨૦૨૨ ના રોજથી લાગુ થશે. આ સિવાય પેકેટની પાછળના ભાગમાં સફેદ અક્ષરોથી આજથી છોડો, કોલ કરો ૧૮૦૦-૧૧-૨૩૫૬ લખેલું હશે. આપને જણાવી દઈએ કે કોઈ પણ પ્રકારનું તમાકુ અથવા તમાકુ યુક્ત પદાર્થ કોઈ પણ સગીર વયના બાળકોને વેચવા પર ન્યાય અધિનિયમ ૨૦૧૫ ની કલમ ૭૭ નું ઉલ્લંઘન છે.

આ ગુનામાં આરોપીને સાત વર્ષ સુધીની સજા અને એક લાખ રૂપિયા સુધી દંડ પણ ભરવો પડી શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડા અનુસાર વિશ્વભરમાંથી તમાકુ સેવન કરવાથી લગભગ ૮૦ લાખ લોકોના મોત થાય છે.

તમાકુનો ઉપયોગ રોકવા માટે દર વર્ષે ૩૧ મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને તમાકુથી થતાં નુકસાન અંગે લોકોને જાગૃત કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે વ્યાવસાયિક સ્થાનો તેમજ એરપોર્ટ પરથી સ્મોકિંગ ઝોન હટાવવા પર, ધુમ્રપાનની ઉંમર વધારવા પર, શૈક્ષણિક-સ્વાસ્થ્ય સંસ્થાન અને પૂજાના સ્થાન પાસે સિગરેટના વેચાણ પર પ્રતિબંધ વાળી અરજી રદ કરી છે. ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલની અધ્યક્ષતાવાળી પીઠે અરજી પર વિચાર કરવાની પણ ના પાડી દિધી.

Share This Article