ગુજરાત સરકાર દ્વારા જુદા જુદા સરકારી વિભાગોમાં ફરજ બજાવી રહેલા વર્ગ-૧ અને ૨નાં કર્મચારીઓને પોતાની સ્થાવર મિલકતો જાહેર કરવાનો આદેશ કરાયો છે. ૩૧ માર્ચ સુધીમાં નિયત પત્રકોની અંદર સક્ષમ અધિકારીઓ સમક્ષ મિલકતોની યાદી રજૂ નહીં કરી શકનારા અધિકારીઓનો એપ્રિલ મહિનાનો પગાર અટકાવી દેવાશે. ૩૧ માર્ચ પછી પણ જો આવા પત્રકો રજૂ કરવામાં નહીં આવે તો આવા પત્રકો જયાં સુધી રજૂ ન થાય તે મહિના સુધીનો પગાર મળશે નહિ.
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડેલા આ પરિપત્રમાં જણાવાયું છે કે, નિમણૂક વખતે નિયત નમૂનામાં પ્રથમ પત્રક રજૂ કર્યા પછી વર્ષ દરમિયાન સ્થાવર કે જંગમ એવી નવી કોઇ મિલકતની ખરીદી કરે અથવા તેવી કોઇ મિલકત પ્રાપ્ત થાય તો તેની માહિતી આપવાની રહેશે. આવી વિગતો નહી આપવાની બાબતને ગેરશિસ્ત ગણી લેવાશે. પરિપત્રમાં જણાવાયું છે કે સૂચનાઓ હોવા છતાં સ્થાવર મિલકતોનાં પત્રકો સમયસર રજૂ કરાતા નથી અથવા રજૂ કરવાનું ટાળવામાં આવે છે.
પરિણામે પત્રકો મેળવવાનો મૂળ હેતુ સફળ થતો નથી. આવા કોઇ અધિકારી સામે ફરિયાદ કે અરજી મળે ત્યારે જ આવા પત્રકો રજૂ થયેલા છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે આ પરિપત્રને પગલે વર્ગ-૧ અને ૨ ના અધિકારીઓ કર્મચારીઓએ પોતાની પાસે રહેલી જમીન, મકાન, શેર-ડીબેન્ચર, મ્યુચ્યુઅલ ફંડમાં કરેલુ રોકાણ, બેંકમાં જમા પડેલી રકમ, રોકડ હાથ પરની રકમ, સોનુ-ચાંદી વગેરેની માહિતી આપવાની રહેશે. જે અધિકારીએ બે નંબરના કે ભ્રષ્ટાચાર કરીને નાણા બનાવ્યા છે અને તે રકમથી જ રોકાણ કે ખરીદી કરી છે તેવા હજારો કર્મચારી-અધિકારીઓ ભારે ટેન્શનમાં મુકાઇ ગયા છે.