દરિયાઈ માર્ગથી હેરાફેરીને રોકવા સરકાર પૂર્ણ કટિબદ્ધ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યના ૧૬૦૦ કિ.મી. દરિયા કિનારાની સુરક્ષાને વધુ સુદ્રઢ કરવા માટે તથા દરિયાઇ માર્ગે કોઇપણ પ્રકારની શંકાસ્પદ હેરાફેરી ન થાય તેને રોકવા માટે રાજ્ય સરકારે આજે મહત્વનો નિર્ણય કર્યો છે. દરિયાઇ સુરક્ષાનું સીધુ માનીટરીંગ હવે એડી. ડીજીપી અને ડીજીપી કક્ષાના અધિકારીના સીધા મોનીટરીંગ હેઠળ દેખરેખ રખાશે. ગૃહ મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જન સુરક્ષા અને રાષ્ટ્રની સુરક્ષા માટે કોઇ સમાધાન કર્યું નથી, અને કરશે પણ નહીં. દરિયાકાઠે કોઇપણ જાતના અસામાજીક તત્વો ઘુસી ન જાય તથા કોઇપણ પ્રકારનું અપકૃત્ય ન કરે તે માટે આ મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

તેમણે ઉમેર્યું કે દરિયાઇ કામગીરીના સુપરવિઝન માટે આઇ.જી.પી. કોસ્ટલ સીક્યુરીટીની તમામ કામગીરી એડીજીપી/ડીજીપી મરીનને સોંપાશે. આ માટે જગ્યા અપગ્રેડ કરીને સુદ્રઢ વહીવટી માળખું પણ ગોઠવવામાં આવશે. મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, હાલની આઈજીપી-એટીએસ-આઈજી મરીન ટાસ્ક ફોર્સ અને આઈજીપી કોસ્ટલ સીક્યુરીટીની જગ્યાઓ પણ એડીજીપી/ડીજીપીનું સીધું નિયંત્રણ રહેશે. એડીજીપીનું નામાભિધાન પણ બદલીને હવે એટીએસ કોસ્ટલ સીક્યુરીટી રખાશે. તથા આઇજીપી મરીને ટાસ્ક ફોર્સનું નામ પણ બદલીને હવે આઇજીપી કમાન્ડો ફોર્સ રાખવામાં આવ્યું છે.

જેનું મુખ્ય મથક અમદાવાદ ખાતે રહેશે. જે સીધા એડીજીપી/ડીજીપી – એટીએસ અને કોસ્ટલ સીક્યુરીટીના સીધા નિયંત્રણ હેઠળ કામગીરી કરશે. તેમણે કહ્યું કે એડીજીપી/ડીજીપી – એટીએસના સીધા નિયંત્રણ હેઠળ ત્રણ એસ.પી. કક્ષાના અધિકારીઓ કામ કરશે. તે પૈકી બે એસ.પી. (એ.ટી.એસ.), આઇ.જી.પી.(એ.ટી.એસ.) ના નિયંત્રણ હેઠળ કામ કરશે. સાથે સાથે આઇ.જી.પી. કમાન્ડો ફોર્સના નિયંત્રણ હેઠળ એસ.પી. ચેતક કમાન્ડો અને એસ.પી. મરીન ટાસ્ક ફોર્સ કામ કરશે. તથા આઇ.જી.પી. કોસ્ટલ સીક્યુરીટીના નિયંત્રણ હેઠળ એસ.પી. કોસ્ટલ સીક્યુરીટી પણ કામ કરશે. આ નવિન સંપૂર્ણ માળખાનું સંપૂર્ણ મોનીટરીંગ અને નિયંત્રણ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી કરશે તેમ તેમણે ઉમેર્યું હતું. દરિયાઈ સુરક્ષા હંમેશા પડકારરૂપ રહે છે. ત્રાસવાદીઓ દરિયાઈ માર્ગે પણ આવીને પણ વિતેલા વર્ષોમાં મુંબઈમાં હુમલાઓને અંજામ આપી ચુક્યા છે. આવી સ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની જરૂર દેખાઈ રહી છે. આ દિશામાં ગુજરાત સરકાર આગળ પણ વધી રહી છે.

Share This Article