રાજ્યના સરકારી કર્મચારીઓ પરિવાર સાથે ઉત્સાહપૂર્વક દિવાળીનો તહેવાર ઉજવી શકે તે માટે રાજ્ય સરકારે દિવાળી પહેલાં કર્મચારીઓને પગાર ચૂકવવાનો ર્નિણય કર્યો છે. પેન્શનરોને પણ દિવાળી પહેલા પેન્શનની ચૂકવણી થશે. નાણાં વિભાગ દ્વારા આ અંગેનો ઠરાવ કરવામાં આવ્યો છે.
નાણાં વિભાગના ઠરાવ મુજબ ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર ૨૪ ઓક્ટોબરના રોજ હોવાથી તે બાબતને ધ્યાને લઇને રાજ્ય સરકારે ઓક્ટોબર માસના પગાર ભથ્થાં તથા પેન્શનની ચૂકવણી વહેલી કરવાનો ર્નિણય કર્યો છે. સરકારના નિયમ મુજબ મહિનાના પ્રથમ ત્રણ કામકાજના દિવસો દરમિયાન પગાર કરવામાં આવે છે. જેમાં છૂટછાટ મુકીને ૧૭થી ૧૯ ઓક્ટોબર દરમિયાન તબક્કાવાર પગાર અને પેન્શનની ચૂકવણી કરવામાં આવશે. આ ર્નિણયનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત ગ્રાન્ટઇન એઇડ સંસ્થાઓ અને પંચાયતના કર્મચારીઓ તથા કરાર આધારિત નિમણૂક પામેલા કર્મચારીઓને પણ મળશે. આ ર્નિણયથી ૧૦ લાખ જેટલા કર્મચારીઓ અને પેન્શનરોને પણ લાભ થશે.