સરકારી કર્મચારી હેલમેટ પહેરીને કરી રહ્યા છે કામ, શા માટે કરે છે આવુ?.. જાણો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઉત્તર પ્રદેશના બાગપતમાં આવેલ વીજળી વિભાગની ઓફિસની હાલત જોઈને આપને પણ નવાઈ લાગશે. ૨૧મી સદીમાં પણ અંગ્રેજોના જમાનામાં બનેલી બિલ્ડીંગમાં કામ કરી રહ્યા છે. આ બિલ્ડીંગ એટલી જર્જરીત થઈ ગઈ છે કે, છતનું પ્લાસ્ટર ગમે ત્યારે તૂટીને નીચે પડી શકે છે. તેથી કર્મચારીઓ બચવા માટે ઓફિસમાં હેલમેટ પહેરીને બેસે છે. દિવસમાં થોડી થોડી વારે પ્લાસ્ટરના ટુકડા પડતા રહે છે. પોતાનો જીવ બચાવવા માટે આ કર્મચારીઓ હેલમેટ પહેરીને કામ કરવા મજબૂર બન્યા છે. હવે જોવાનું એ રહેશે કે વીજળી વિભાગના મોટા અધિકારીઓના કાન સુધી આ વાત ક્યારે પહોંચશે. આ ઓફિસમાં લગભગ ૪૦ કર્મચારી કામ કરે છે.

હકીકતમાં જોઈએ તો, બાગપતના બડૌત એરિયામાં આવેલ વીજળી વિભાગની મીટર ટેસ્ટિંગ લેબ આવેલી છે. આ લેબ જે બિલ્ડીંગમાં છે, તે અંગ્રેજોના જમાનામાં બનેલી છે. ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટરના પદ પર કામ કરનારા વેદપાલ આર્યનું કહેવું છે કે, અમે નથી જાણતા કે આ છતનું પ્લાસ્ટર ક્યારે તૂટીને અમારા પર પડે. અમે અમારી સુરક્ષા માટે હેલમેટ પહેરીને કામ કરી રહ્યા છીએ.

પ્લાસ્ટરના ટુકડા માથા પર પડવાના કારણે અમારા કેટલાય કર્મચારીઓ ઘાયલ થઈ ગયા છે. આ સ્થિતી વરસાદની સિઝનમાં તો વધુ ભયાનક થઈ જાય છે. આ સમસ્યાને લઈને ઉચ્ચ અધિકારીઓ સામે કેટલીય વાર રજૂઆત કરી, પણ તેમના પેટનું પાણી નથી હલતું. આ ઓફિસમાં કોન્ટ્રાક્ટ પર કામ કરનારા કર્મચારી ગૌરવ શર્મા કહે છે કે, આ બિલ્ડીંગ ખૂબ જ જર્જરીત થઈ ગઈ છે. મેં સાત વર્ષ પહેલા અહીં નોકરી જોઈન કરી હતી, અગાઉ અધિકારીઓએ સર્વે કરાવ્યો હતો કે રિપેરનું કામ કરાવવું કે નહીં. ભવનની છત કોઈ પણ સમયે તૂટી શકે છે. અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે. હેલમેટ પહેરીને કામ કરતા કર્મચારીઓના ફોટો અને વીડિયો વાયરલ થયા બાદ બાગપતના ડીએમ રાજકમલ યાદવે કહ્યું કે, આ સંબંધમાં પાવર કોર્પોરેશન લિમિટેડને પત્ર લખીને ટૂંક સમયમાં સમસ્યાનું સમાધાન લાવવા માટે કહ્યું છે. ડીએમે કહ્યું કે, ખૂબ જ ગંભીર મામલો છે. આ પ્રકારે જર્જર ભવનમાં ઓફિસ ચલાવવી ખતરનાક છે. અમે પાવર કોર્પોરેશનના સીનિયર અધિકારીઓ સાથે વાત કરીને આ ઓફિસને શિફ્ટ કરાવીશું.

Share This Article