ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ ટેક્સ, ડૉક્યુમેન્ટ અને સરકારી યોજનાઓ સાથે સંકળાયેલા મહત્વના કામોની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. જો તમે પાન-આધાર લિંકિંગ, આઈટીઆર ફાઇલિંગ, એડવાન્સ ટેક્સ, આઈટીઆર રિટર્ન કે સુધારા જેવા કામો અત્યાર સુધી ટાળતા આવ્યા છો, તો હવે સતર્ક થવાનો સમય આવી ગયો છે. આ તમામ ડેડલાઇન સીધી તમારી બેન્કિંગ, રોકાણ અને ટેક્સ પ્રોફાઇલને અસર કરે છે. એટલે આ કામો સમયસર પૂરા કરવા ખૂબ જરૂરી છે. ચાલો, આજે અમે તમને જણાવીએ કે 31 ડિસેમ્બર સુધીમાં તમારે કયા-કયા જરૂરી કામો પતાવી લેવા જોઈએ.
એડવાન્સ ટેક્સ જમા કરવાની સમયમર્યાદા
જે લોકોની TDS કપાત પછી ટેક્સ લાયબિલિટી (Tax liability) ₹10,000થી વધુ બને છે, તેમના માટે એડવાન્સ ટેક્સ ભરવો ફરજિયાત છે. 15 ડિસેમ્બર તેનો ત્રીજો હપ્તો જમા કરવાની છેલ્લી તારીખ છે. એડવાન્સ ટેક્સમાં વિલંબ થાય તો તમારા પર વ્યાજ તથા પેનલ્ટી બંને લાગી શકે છે.
Belated ITR ભરવાની છેલ્લી તક
જો તમે નાણાકીય વર્ષ 2024-25નું આઈટીઆર નિર્ધારિત સમયમાં જમા ન કરાવ્યું હોય, તો તમારી પાસે 31 ડિસેમ્બર સુધીમાં બિલેટેડ રિટર્ન ભરવાનો મોકો છે. જોકે, આ માટે તમારે લેટ ફી પણ ભરવી પડશે, જેમાં 5 લાખથી ઓછી આવક ધરાવતા લોકોએ 1 હજાર રૂપિયા અને 5 લાખથી વધુ આવક ધરાવતા લોકોએ 5000 રૂપિયા સુધીની લેટ ફી ભરવી પડશે. જો તમે જો 31 ડિસેમ્બર સુધીમાં પણ બિલેટેડ આઈટીઆર ન ભરો તો પછી રિટર્ન ફાઇલ કરવાનો મોકો મળશે નહીં.
પાન-આધાર લિંકિંગની છેલ્લી તારીખ
જે લોકોનું આધાર કાર્ડ 1 ઓક્ટોબર 2024 કે તેના પહેલાં બનેલું હોય, તેમણે 31 ડિસેમ્બર 2025 સુધી પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. પાન-આધાર લિંક ન કરાવવાથી પાન નિષ્ક્રિય થઈ જશે, બેંકની સેવાઓ અસરગ્રસ્ત થશે, રોકાણ તથા ડીમેટ સાથે જોડાયેલા કામો અટકી જશે અને આઈટીઆર ફાઇલિંગમાં પણ સમસ્યા આવશે. પાન-આધાર લિંકિંગ તમે ઇન્કમ ટેક્સ ઈ-ફાઇલિંગ પોર્ટલ દ્વારા સરળતાથી કરી શકો છો.
રેશન કાર્ડ ઈ-કેવાયસી
ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં રેશન કાર્ડ ઈ-કેવાયસીની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. ડિસેમ્બરમાં ઈ-કેવાયસી ન કરાવો તો જાન્યુઆરી 2026થી સરકારી રાશન મળવાનું બંધ થઈ શકે છે.
પીએમ આવાસ યોજનાની છેલ્લી તારીખ
મકાન બનાવવા માટે મળતી ₹2.5 લાખ સુધીની સહાય વાળી પ્રધાનમંત્રી આવાસ યોજના માટેની અરજીની તારીખ લંબાવીને 31 ડિસેમ્બર સુધી કરી દેવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો આધાર, આવક પ્રમાણપત્ર તથા નિવાસ પ્રમાણપત્ર સાથે ઓનલાઇન અરજી કરી શકે છે.
