બાળકી પર દુષ્કર્મ કરનારને ફાંસી માટે સરકાર કટિબદ્ધ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ: ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં બાળકીઓ – મહિલાઓ સાથે થતા દુષ્કર્મ પ્રત્યે રાજ્ય સરકાર અત્યંત સંવેદશીલ છે. આવા માનવતા વિહોણું કામ કરનાર વ્યક્તિઓ સામે કડક હાથે કામગીરી કરી ફાંસીની સજા અપાવવા રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે. મંત્રી જાડેજાએ ઉમેર્યું હતું કે, આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રાજ્યમાં બની રહેલ દુષ્કર્મની ઘટનાઓને રાજ્યની સંવેદનશીલ સરકારે અત્યંત દુઃખદ ગણી છે, અને આવા તત્વોને કડક સજા અપાવવા માટે મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ નામદાર હાઇકોર્ટને વિનંતી કરી છે કે આવા કેસો ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલે. આવા કેસોમાં મળવાપાત્ર ફાંસીની સજા માટે બે મહિનાના ગાળામાં ચાર્જશીટ તથા ટ્રાયલ પણ પૂર્ણ થાય અને રોજબરોજ કેસ ચલાવવામાં આવે તે માટે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.

કેન્દ્ર સરકાર દ્વારા પીનલ કોડ અને સી.આર.પી.સી.માં કરાયેલ નવા સુધારા મુજબ કામગીરી કરાશે. તેમણે કહ્યું કે, આ તપાસ માટે ખાસ પેરવી ઓફીસરની નિમણૂંક પણ કરાશે. ભોગ બનનાર બાળકી ૧૨ વર્ષથી નીચેની હોય તો તેવા કેસમાં આરોપીને ફાંસીની સજા સુધીની જોગવાઇ કરવામાં આવશે. મંત્રી જાડેજાએ આ અંગે વધુ વિગતો આપતા કહ્યું કે, રાજ્યમાં જે ઘટનાઓ ઘટી છે તેની તપાસ મહિલા પોલીસ અધિકારીના નેતૃત્વ હેઠળ થઇ રહી છે, અને તેનું સુપરવિઝન મહિલા  દ્વારા કરાશે. સાથે-સાથે ભોગ બનનાર બાળકીઓ જે ૧૪ વર્ષથી નીચેની ઉંમરની હોય તો તેને ૪.૫૦ લાખનું વળતર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

મંત્રીએ કહ્યું કે,  સાંબરકાંઠા જિલ્લાના ગાંભોઇ ખાતે બનેલ બનાવમાં બાળકીની ઉંમર ૧૪ માસની છે, તેની તપાસ પણ મહિલા અધિકારી દ્વારા થઇ રહી છે અને આરોપીની ધરપકડ પણ કરી દેવાઇ છે. તેમજ, સુરત શહેરના ડીંડોલીમાં બનેલ બન્ને ઘટનાઓમાં બાળકીની ઉંમર ૫ વર્ષની છે. જેમાં ગુ.ર.નં. ૧૮૮ /૨૦૧૮ હેઠળ નોંધાયેલ ફરીયાદમાં જે બાળકી ઉપર દુષ્કર્મ થયું છે તેમાં તેના કૌટુબિક વ્યક્તિ દ્વારા દુષ્કર્મ કર્યું છે. તેની પણ ધરપકડ કરી દેવાઇ છે. તથા ગુ.ર.નં. ૧૮૭ /૨૦૧૮માં પણ બાળકી ઉપર દુષ્કર્મ કરનાર આરોપીની ધરપકડ થઇ ગયેલ છે. તેમજ, અઠવાલાઇન પોલીસ સ્ટેશનમાં ૧૨ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના બની છે, તેમાં બાળકી જે વિસ્તારમાં રહેતી હતી તે વિસ્તારના આરોપી દ્વારા બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેની પણ ધરપકડ કરી દેવાઇ  છે. અત્ર ઉલ્લેખનીય છે કે, ૧૮ વર્ષથી ઓછી વયના બાળકો દ્વારા જે દુષ્કર્મ કરાયું છે, તે માટે જુવેનાઇલ કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

Share This Article