નવી દિલ્હી : જાહેર ક્ષેત્રના બેંકોના એનપીએમાં ચાલી નાણાંકીય વર્ષના પ્રથમ છ માસિક ગાળા દરમિયાન ૨૩ હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થઇ ગયો છે. નાણાંકીય સેવા સચિવ રાજીવ કુમારે માહિતી આપતા કહ્યુ છે કે આની સાથે જ જાહેર ક્ષેત્રની બેંકોએ ચાલી નાણાંકીય વર્ષના પ્રથમ છ માસિક ગાળા દરમિયાન ૬૦૭૨૬ કરોડ રૂપિયાની વસુલી પણ કરી લીધી છે. આ આંકડો ગયા વર્ષે આ જ અવધિની તુલનામાં કરવામાં આવેલી વસુલી કરતા બે ગણો વધારે છે.
કુમારે કહ્યુ છે કે જાહેર ક્ષેત્રના બેંકોનો સમગ્ર એનપીએનો આંકડો માર્ચ ૨૦૧૮માં ૯.૬૨ લાખ કરોડ રૂપિયાના ટોપ પર પહોંચી ગયા બાદ ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ માસિક ગાળામાં ૨૬૮૬૦ કરોડ રૂપિયા ઓછો થઇ ગયો છે. નાણાં મંત્રાલયના નવેસરના આંકડા દર્શાવે છે કે જાહેર ક્ષેત્રની બેંકોના ૩૧થી ૯૦ દિવસ વચ્ચેના બાકી બિન એનપીએ ખાતા જુન ૨૦૧૭ના ૨.૨૫ લાખ કરોડ રૂપિયાથી ૬૧ ટકા ઘટીને સપ્ટેમ્બર ૨૦૧૮માં ૦.૮૭ લાખ કરોડના રૂપિયા પર આવી ગયો છે.
કુમારે કહ્યુ હતુ કે કેટલાક મહત્વપૂર્ણ પગલા લેવામાં આવી રહ્યા છે.આ ઉપરાંત જાણી જાઇને ડિફોલ્ટ કરનાર તથા સંબંધિત વ્યક્તિઓ પર રોક મુકવાના કારણે આ વર્ષે રેકોર્ડ વસુલી કરવામાં મદદ મળી છે. તેમણે કહ્યુ હતુ કે સુધારાની સાથે જાહેર ક્ષેત્રની બેંકોમાં ફરી મુડી દાખલ કરવામાં આવી રહી છે. જેના કારણે સંપત્તિની ખરાબ ગુણવત્તાની સમસ્યાનો ઉકેલ આવ્યો છે. કુલ ૨૧ જાહેર ક્ષેત્રની બેંકોમાંથી ૧૧ જાહેર ક્ષેત્રની બેંકો પીસીએમાં સામેલ છે.પીસીએ હેઠળ રાખવામાં આવેલી બેંકોની વસુલ પણ ઝડપી બની રહી છે. તેમાં ઉલ્લેખનીય સુધારો થઇ રહ્યો છે. નાણાં મંત્રાલય હજુ સ્થિતી સુધેરે તેમ માને છે.