અમદાવાદ : આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતનાં નેતા ગોપાલ ઇટાલિયાને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમમેદવાર બનાવવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૪માં હાઇકોર્ટમાં થયેલી એક જાહેર હિતની અરજીમાં ઇલેક્શન કમિશન વતી ઉપસ્થિત થયેલા વકીલે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદા મુજબ ઇલેક્શન પિટિશન પેન્ડિંગ હોય તો તેનો નિકાલ ના થયા ત્યાં સુધી પેટા ચૂંટણી યોજી શકાય નહિ.
જૂનાગઢની વિસાવદર બેઠક રાજકીય સ્તરે વધુ મહ્તવની છે. કારણ કે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની આ પરંપરાગત બેઠક ગણાય છે. અને તેમના બાદ જો કોઈએ સૌથી વધુ આ બેઠક પર જીત મેળવી હોય તો તે હર્ષદ રીબડીયા છે. કોંગ્રેસની ટિકિટ પરથી હર્ષદ રિબડીયા બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. પરંતુ ગત ચૂંટણીમાં તેઓ ભાજપમાં જોડાયા અને તેમને આપ પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણીએ ૭ હજાર મતોના માર્જિનથી હાર આપી હતી. જો કે આપમાં વિજયી બનેલ ભૂપત ભાયાણી મૂળ ભાજપના માનવામાં આવે છે. કારણ કે ભૂપત ભાયાણી બે વર્ષ પહેલા ભાજપ છોડી આપ પાર્ટીમાં જોડાયા હતા. આગામી સમયમાં વિસાવદર બેઠક પર વિધાનસભા ચૂંટણીને લઈને વધુ રસાકસીનો જંગ જોવા મળશે.
દેશની રાજધાની દિલ્હી ખાતે ‘આપ‘ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે ગુજરાત પ્રદેશ કોર ટીમની એક બેઠક યોજાઈ હતી જેમાં આવનારી વિધાનસભા ચૂંટણી મુદ્દે અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે તેમજ આવનારી વિસાવદર અને કડીની પેટા ચૂંટણી અને મહાનગરપાલિકાની ચૂંટણી મુદ્દે પણ રણનીતિ બનાવવામાં આવશે,ગુજરાતમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે અને તેના વિસ્તરણ માટે ચર્ચા કરવામાં આવશે.
વર્ષ ૨૦૨૨માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણી વિજયી થયા હતા. હાઇકોર્ટમાં વિસાવદર બેઠક પરથી હારેલા ઉમેદવારોએ જીતેલા ઉમેદવારની જીતને પડકારી હતી. જેની ઇલેક્શન પિટિશન પેન્ડિંગ હોવાથી વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાતી નથી. ત્યારે કુલ ત્રણ અરજી હરેશ ડોબરિયા, મોહિત માલવિયા અને હર્ષદ રીબડીયા દ્વારા કરવામાં આવી હતી. જેમાંથી પહેલાં મોહિત માલવિયા દ્વારા અરજી પરત ખેંચવામાં આવી હતી. બાદમાં હર્ષદ રીબડીયાએ પણ અરજી પરત ખેંચી છે.
વિસાવદર વિધાનસભા સીટની પેટા ચૂંટણીની જાહેરાત નહી કરવા પાછળ એવું કારણ પણ છે કે ૨૦૨૨માં આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી ચૂંટણી જીતી ગયા હતા.ભૂપત ભાયાણીના ફોર્મમાં ક્ષતિ હોવાની ફરિયાદ સાથે હાઈકોર્ટમાં પિટીશન કરવામાં આવી હતી. ભૂપત ભાયાણીના ઉમેદવારી પત્રો સંબંધિત મામલો હાલ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં વિસાવદર બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં નહી આવી હોવાનું લાગી રહ્યુ છે. વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડિયાને હરાવીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી ધારાસભ્ય બન્યા હતા. ભૂપત ભાયાણીએ ૭ હજાર ૬૩ મતે ચૂંટણી જીતી હતી.
વિસાવદર બેઠક પર બે દિગ્ગજાે ઘણા સમયતી આમને-સામને હતા. ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડીયા પર આક્ષેપ અને પ્રતિઆક્ષેપનો દોર જોવા મળ્યો હતો. મૂળ મામલો વિગતો છુપાવવાનો હતો. જેમાં હર્ષદ રીબડીયાનો આક્ષેપ હતો કે ચૂંટણી ફોર્મમાં ભૂપત ભાયાણીએ સાચી વિગતો જણાવી નથી. અને એટલે જ હર્ષદ રીબડીયાએ હાઈકોર્ટમાં ફેબ્રુઆરી ૨૦૨૩માં પિટિશન દાખલ કરી ભૂપત ભાયાણીની ચૂંટણીમાં જીત થવા પર સવાલ ઉઠાવ્યા હતા. વિસાવદર બેઠકનો મામલો હાઈકોર્ટમાં હોવાથી આ બેઠક પર વિધાનસભાની ચૂંટણી યોજાઈ ન હતી. પરંતુ હવે હર્ષદ રીબડીયાએ પિટીશન પરત લેતા વિસાવદર બેઠક વિધાનસભા ચૂંટણી યોજાશે.