અમદાવાદ શહેરના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં લુખ્ખા તત્વોએ પોલીસની હાજરીમાં તલવાર જેવા હથિયારો વડે હુમલા કરીને આતંક મચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે. પોલીસે લુખ્ખાઓની ધરપકડ કરી છે.
વાઈરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, લુખ્ખાઓ બેફામપણે તલવાર ફેરવી રહ્યા છે અને પોલીસને ધમકાવી રહ્યા છે. આ ઘટના બાદ પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને કેટલાક આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ, આ ઘટનામાં નિષ્ક્રિય રહેલા પોલીસ કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. રખિયાલમાં પોલીસની હાજરીમાં લુખ્ખા તત્ત્વોની દાદાગીરીનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, એક શખ્સ પોતાના હાથમાં તલવાર રાખીને રોડ પર ખૌફ દેખાડી રહ્યો છે. જેની સાથે અન્ય એક શખ્સ પણ હથિયાર સાથે જોવા મળી રહ્યો છે.
અસામાજિક તત્વો પોલીસને ધમકાવે છે કે, ‘બહોત મારુંગા સાહેબ’ તેમ છતાં પોલીસ ચૂપચાપ બધુ જોતી રહે છે. આ મામલે અમદાવાદ ડીસીપી રવિ મોહન સૈનીએ કહ્યું કે, ‘જૂની અદાવતમાં 6 આરોપીઓએ આતંક મચાવ્યો હતો. મુખ્ય 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં રામોલથી ફઝલ શેખનામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ સિવાય અલ્તાફનામના આરોપીની પણ ધરપકડ કરાઈ ચૂકી છે. જ્યારે 4 આરોપીઓને પકડવા માટે સ્થાનિક પોલીસ અને એલસીબીએ શોધખોળ હાથ ધરી છે. બીજી તરફ, પીસીઆરવાનના બે(2) કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે.’ ડીસીપીએ જણાવ્યું કે, ‘આરોપી ફઝલ વિરૂદ્ધ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આરોપી અલ્તાફ સામે 6 પાસા સહિતના 16 ગુના નોંધાયેલા છે. તમામ આરોપીઓ વિરૂદ્ધ શરીર સંબંધી ગુનાઓ નોંધાયેલા છે.’ આ ઘટનાના કારણે લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે અને સુરક્ષા અંગે ચિંતા વધી છે. આ ઘટનાએ પોલીસની છબીને નુકસાન પહોંચાડ્યું છે. આ ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.