સ્પેશિયલાઈઝ્ડ એન્જિનિયર્ડ સ્ટીલ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી ગુડલક ઈન્ડિયા લિમિટેડે 15 સપ્ટેમ્બર, 2024ના રોજ સિકંદરાબાદના બુલંદશહેરમાં 50000 મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવતા હાઈડ્રોલિક ટ્યૂબ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું છે. પ્લાન્ટ સ્થાપિત કરવામાં અંદાજે રૂ. 200 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. જેમાં અત્યંત સ્પેશ્યાલાઈઝ્ડ હાઈડ્રોલિક ટ્યૂબ બનાવવામાં આવશે, જેનો ઉપયોગ કંસ્ટ્રક્શન મશીનરી, હળવા કોમર્શિયલ વાહનો તથા અન્ય ઔદ્યોગિક સાધનોમાં કરવામાં આવશે. આ પ્રોડક્ટ આયાત થતી સીમલેસ ટ્યૂબ્સનું સ્થાન લેતાં તે આયાતનો વિકલ્પ બનશે.
ગુડલક ઈન્ડિયા લિમિટેડના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર એમ.સી. ગર્ગે જણાવ્યા અનુસાર, “આ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ તાત્કાલિક ધોરણે ટ્રાયલ ઉત્પાદન શરૂ કરશે અને કોમર્શિયલ ઉત્પાદન આગામી વર્ષે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી શરૂ થશે. સ્વદેશ નિર્મિત હાઈડ્રોલિક ટ્યૂબ્સની વધતી માગ અને આ સેગમેન્ટમાં ઓછી હરિફાઈના કારણે આ પ્લાન્ટની મદદથી કંપનીની આવકમાં અનેકગણી વૃદ્ધિ થશે. આ પ્રોજેક્ટનું ફંડિંગ સંપૂર્ણપણે આંતરિક ઉપાર્જન મારફત કરવામાં આવશે.”
વધુમાં ઉમેર્યું હતું કે, “સિકંદરાબાદના બુલંદશહેરમાં સ્થિત આ 50000 મેટ્રિક ટન ક્ષમતા ધરાવતો અત્યાધુનિક ટ્યૂબ્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આગામી વર્ષે જાન્યુઆરીમાં કોમર્શિયલ ઉત્પાદન શરૂ કરશે અને અપેક્ષા છે કે, તેનાથી અમારી ટોપલાઈનને પ્રોત્સાહન મળશે. 219 મીમી વ્યાસ અને 15 મીમી પહોળાઈ ધરાવતી આ હાઈડ્રોલિક ટ્યૂબ્સ અત્યંત ખાસ છે, વિશ્વમાં આ પ્રકારની ટ્યૂબ બનાવતી કંપનીઓ ઘણી ઓછી હોવાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત માગ નોંધાવાની અપેક્ષા છે. જેથી આ સેગમેન્ટમાં આવકમાં સારો એવો ગ્રોથ નોંધાવાનો આશાવાદ છે.”
“હાઈડ્રોલિક ટ્યૂબ્સ અત્યંત સ્પેશ્યલાઈઝ્ડ અને અલાયદી પ્રોડક્ટ છે. જેના સારા એવા ભાવ મળશે અને તેનાથી કંપનીના માર્જિન પણ વધશે. કંપનીનો ઉદ્દેશ આ પ્લાન્ટમાં ઉત્પાદિત 40 ટકા માલ સારી એવી માગ ધરાવતાં અમેરિકા અને યુરોપ જેવા બજારોમાં નિકાસ કરવાનો છે.”
“આગામી ત્રણથી ચાર વર્ષમાં એક અબજ ડોલરની કંપની બનવાની દિશામાં આ પ્રોજેક્ટ એક મોટુ પગલું સાબિત થશે.”
31 માર્ચ, 2024ના રોજ પૂર્ણ થતાં નાણાકીય વર્ષમાં ગુડલક ઈન્ડિયાની કુલ આવક રૂ. 3524.78 કરોડ અને ચોખ્ખો નફો રૂ. 130.54 કરોડ નોંધાયો છે.