અમદાવાદ : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી આઠ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજની સપાટી ૨૭ ફૂટ થઇ હતી. ગોલ્ડન બ્રિજની ભયજનક સપાટી ૨૨ ફૂટ છે અને તેથી આજે ગોલ્ડન બ્રીજે તેની ભયજનક સપાટી વટાવતા ભરૂચ જિલ્લાના ૨૦ થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અસરગ્રસ્તોનું ગુરૂદ્વારામાં આશરો આપવામાં આવ્યો હતો. નર્મદા નદી ૨૪ ફુટને પાર થતાં ગોલ્ડન બ્રીજ ૫૦૦થી વધુ લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
નર્મદા ડેમમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે અને ભરૂચ ખાતે આવેલા ગોલ્ડન બ્રિજની સપાટી સતત વધી રહી છે. ગોલ્ડન બ્રિજની સપાટી હાલ ૨૭ ફૂટ છે અને તે વધીને ૩૦ ફૂટને પાર કરે તેવી શક્યતા છે. જેથી ભરૂચ જિલ્લા કલેક્ટરે આજે સવારે તાકીદની બેઠક બોલાવી હતી. નર્મદા જિલ્લાના ડેમના કાંઠાના ગામોને એલર્ટ રહેવા માટે સૂચના જારી કરાઇ હતી.
ભરૂચ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું હતું કે, અમે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરીએ છીએ અને તંત્રને પુરતો સહકાર આપે તેવી વિનંતી કરીએ છીએ. અમે લોકો કાંઠા વિસ્તારમાં પોલીસ સાથે રાખીને સતત પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને સહીસલામત સ્થળે ખસેડવાની તજવીજ તંત્ર દ્વારા હાથ ધરાઇ રહી છે.