અમદાવાદ એરપોર્ટ પરથી ૪.૨૧ કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ટીમે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક મુસાફર પાસેથી ૧ કિલો વજનના આઠ સોનાના બિસ્કિટ જપ્ત કર્યા હતા. દુબઈની ફ્લાઈટમાંથી શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી ૪.૨૧ કરોડ રૂપિયાનું સોનું મળી આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, પ્રાથમિક પૂછપરછમાં ડ્યુટી ફ્રી શોપના કર્મચારીની સંડોવણીનો સંકેત મળ્યા હતા. તે વ્યક્તિની ઓળખ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેણે અગાઉના પ્રસંગોએ પણ સોનાની દાણચોરીમાં મદદ કરી હતી.

કેસની વધુ તપાસ ચાલુ છે. DRI અમદાવાદના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક મુસાફર દુબઈની ફ્લાઈટમાં એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેને અટકાવવામાં આવ્યો હતો. એજન્સીએ એરપોર્ટ પર એક ડ્યુટી ફ્રી શોપ સ્ટાફની ધરપકડ કરી હતી જેણે કથિત રીતે સોનું મેળવવાનું હતું. વિગતો પર કાર્યવાહી કરતા એક ટીમે નજર રાખી અને તેને પકડી પાડ્યો હતો. DRIએ તાજેતરમાં રૂ. ૨.૬ કરોડની કિંમતનું ૪ કિલોગ્રામ સોનું જપ્ત કર્યું હતું અને એરપોર્ટ પરથી એક અધિકારી અને સ્ટાફ સાથે સંકળાયેલી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. સોના પર વધેલી  ઇમ્પોર્ટ ડ્યૂટી અને વિદેશમાંથી ખરીદી માટે કડક શરતોને લીધે હવે દાણચોરો સોનાની દાણચોરી માટે નવીન રીતો શોધે છે.

નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, સોના પરની આયાત જકાત ૧૦.૭૫% થી વધારીને ૧૫% કરી હોવાથી દાણચોરીમાં વધારો થવાની આશંકા છે. અને ભારતમાં સોનાની દાણચોરી દર વર્ષે ૨૦૦-૩૦૦ ટન જેટલી વધી શકે છે.

Share This Article