- ૪૦૦ મીટર વિઘ્ન દોડમાં વ્યક્તિગત રીતે પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્વર્ણ પદક મેળવ્યો
- ૪૦૦/૪ રીલેમાં પણ સ્વર્ણની આશા બંધાઇ
૧૧ થી ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૮ દરમિયાન ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે ચાલી રહેલી ૮મી એશિયન ગેમ્સ ટેસ્ટ ઇવેન્ટ કોમ્પિટિશનમાં, ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી ડાંગની દિકરી કુ.સરીતા ગાયકવાડે તેની કારકિર્દીનો પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્વર્ણ પદક જીતીને, દેશને એક વધુ ગોલ્ડ અપાવવામાં સફળતા મેળવી છે.
ડાંગ જિલ્લાના સરહદી ગામ કરાડીઆંબાના શ્રમિક પરીવારની દિકરી સરીતા ગાયકવાડ કે જેને સમગ્ર ડાંગ અને ગુજરાતમાં ડાંગની રાજધાની તરીકે ઓળખવામાં આવે છે. તેણીએ ગત વર્ષના તેના ઉત્કૃષ્ટ પરફોર્મન્સને આધારે ૮મી એશિયન ગેમ્સ ટેસ્ટ ઇવેન્ટ કોમ્પિટિશનમાં તેની દાવેદારી નોંધાવી હતી. એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા ડાંગની આ દોડવીરને આ કોમ્પિટિશન માટે આ અગાઉ કેરાલા ખાતે છ માસની સધન તાલીમ આપવામાં આવી હતી. સરીતા ગાયકવાડના આંતરરાષ્ટ્રીય કૉચ શ્રી અજીમોનના માર્ગદર્શન હેઠળ, કાયાને કસીને સરીતા ગાયકવાડ ઇન્ડોનેશિયા પહોંચી હતી. જ્યાં ૪૦૦ મીટર વિઘ્નદોડ સહિત ૪૦૦/૪ રીલે માટે પણ તેણીને પસંદગી થવા પામી હતી.
જે પૈકી વ્યક્તિગત ૪૦૦ મીટર વિઘ્નદોડમાં સરીતા ગાયકવાડે ૩૫ દેશના દોડવીરોને આ કેટેગરીમાં પાછળ છોડી, ૫૯.૦૮ સેકન્ડમાં તેનું લક્ષ હાંસલ કરી સ્વર્ણપદક મેળવ્યો હતો. ઉલ્લેખનિય છે કે કુ.સરીતા ગાયકવાડનો આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ્ડ છે. જ્યારે તેના તરફથી ભારતને પણ આ પ્રથમ ગોલ્ડ અર્પણ કરાયો હતો. સાથે સાથે સરીતા ગાયકવાડનો આ કક્ષામાં તેનો બેસ્ટ ટાઇમીંગનો રેકોર્ડ પણ નોંધાવા પામ્યો છે.
ઉલ્લેખનિય છે કે, આજે એટલે કે આ લખાઇ છે ત્યારે ૧૪ જાન્યુઆરીના રોજ કોમ્પિટિશનનાં અંતિમ દિને સરીતા ગાયકવાડ ૪૦૦/૪ મીટર રીલેમાં પણ ઇનફૉર દોડવીર તરીકે ભાગ લઇ રહી છે. તેણીને આશા છે કે તેની સાથી દોડવીરો પણ ઉત્કૃષ્ટ દેખાવ કરીને, ભારતને વધુ એક સ્વર્ણપદક અપાવશે.