ગોવાના શિરગાંવમાં આયોજિત શ્રી દેવી લેરાઈ જાત્રા દરમિયાન શુક્રવારે (2 મે) રાતે એક દુર્ઘટના સામે આવી છે. શ્રદ્ધાળુઓની ભારે ભીડમાં ભાગદોડ મચી જવાથી 6 લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના બાદ આખા વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ છે.
દુર્ઘટના એવા સમયે થઈ જ્યારે મંદિર પરિસરમાં અચાનક ભીડ બેકાબૂ થઈ ગઈ અને અફરાતફરી મચી ગઈ. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર શ્રદ્ધાળુ જીવ બચાવવા માટે આમ તેમ ભાગવા લાગ્યા, જેનાથી ભાગદોડની સ્થિતિ પેદા થઈ. ઘણાં લોકો એક બીજા પર પડ્યા અને દબાઈ ગયા. ઘટના સ્થળે રહેલા લોકોએ જણાવ્યું કે, થોડી મિનિટોમાં સ્થિતિ ભયંકર થઈ ગઈ.
જો કે હજુ સુધી ભાગદોડ પાછળનું સત્તાવાર કારણ સામે આવ્યું નથી, પરંતુ પ્રાથમિક રિપોર્ટ અનુસાર વધુ પડતી ભીડના અને વ્યવસ્થામાં ખામીને કારણે ભાગદોડ મચી હોવાની શક્યતા છે. પ્રશાસનનું કહેવું છે કે, વિસ્તૃત તપાસ બાદ જ સચોટ કારણ સામે આવશે. શ્રી લેરાઈ યાત્રાને જોતા સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. આશરે 1000 પોલીસકર્મી તહેનાત કરવામાં આવ્યાં હતા અને ભીડ પર નજર રાખવા માટે ડ્રોન કેમેરા પણ હતા. યાત્રામાં મુખ્યમંત્રી સાવંત, તેની પત્ની સુલક્ષણા સાવંત, રાજ્યસભા સાંસદ સદાનંદ શેટ તનાવડે, ધારાસભ્ય પ્રેમેન્દ્ર શેટ અને કાર્લોસ ફરેરા જેવા વરિષ્ઠ નેતા પણ સામેલ થયા હતા.