ગોવામાં રાજકીય સ્થિતી હમેંશા પ્રવાહી રહી છે. કારણ કે અહીંની રાજકીય સ્થિતી અન્ય રાજ્યો કરતા અલગ પ્રકારની છે. આ વખતે ગોવામાં પરિણામ શુ રહેશે તેના પર તમામની નજર રહેશે. ગોવા જેવા નાના રાજયમાં લોકસભાની બે સીટો છે પરંતુ ખુબ ઉપયોગી રહેલી છે. મનોહર પારિકરના અવસાન બાદ ભારતીય જનતા પાટીની તાકાત ગોવામાં ઘટે તેવા સંકેત પણ મળી રહ્યા છે. અંતિમ સ્થિતી શુ રહે છે તે બાબત તો ચૂંટણી બાદ જ જાણી શકાશે. દેશની માત્ર બે લોકસભા સીટ ધરાવનાર ગોવામાં સામાન્ય ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જારદાર સ્પર્ધા થાય તે સ્વાભાવિક છે. બે સીટો હોવા છતાં તેને લઇને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે તમામ તાકાત લગાવી હતી.
ગોવાની રાજકીય સ્થિતીની વાત કરવામાં આવે તો ભાજપે છેલ્લા કેટલાક સમયમાં જનાધાર ગુમાવ્યો છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ વિશ્વાસ ગુમાવ્યો છે. બંને પાર્ટીની સ્થિતી એક સમાન દેખાઇ રહી છે. સત્તા, પ્રતિષ્ઠા અને સંઘર્ષના દાવપેચમાં રહેલી ગોવાની રાજનીતિમાં એકબાજુ ભાજપે છેલ્લા પાંચ વર્ષના ગાળામાં પોતાના મજબુત આધારને ગુમાવી દીધો છે. જ્યારે કોંગ્રેસે ગોવાના લોકોમાં પોતાના વિશ્વાસને જગાવવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે. આવી સ્થિતીમાં બે સીટ ધરાવનાર ગોવાની રાજનીતિમાં આગામી સમયમાં જોરદાર સ્પર્ધા અને ઉથલપાથલ થનાર છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગોવામાં સીધી સ્પર્ધા છે. ગોવાની બંને સીટો ભાજપની સત્તા વાપસીમાં મજબુત આધાર બનશે તો બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી ગાબડા પાડી દેવાના પ્રયાસમાં છે. ક્ષેત્રીય પક્ષોની ભૂમિકા પણ ગોવામાં નિર્ણાયક સાબિત થઇ શકે છે.
મની અને મસલ પાવરમાં ફસાયેલા ગોવામાં સબકા સાથ સબકા વિકાસનો નારો ગુજી શક્યો નથી. કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં લોકો જુદી જુદી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. યુવાનો રોજગારીની માંગ કરી રહ્યા છે. બીજી બાજુ સામાન્ય લોકો અટવાઇ પડેલા કામોને લઇને પરેશાન છે. છેલ્લી લોકસભાની ચૂંટણીમાં જનતાના અપાર સમર્થન વચ્ચે બંને સીટો પર જીત મેળવી લેનાર ભારતીય જનતા પાર્ટીને લોકોએ ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસથી પાછળ કરી દીધી હતી. જા કે પૂર્ણ બહુમતિ કોંગ્રેસ પાર્ટીને પણ મળી ન હતી. ભાજપે જોડતોડ કરીને સરકાર તો બનાવી લીધી હતી પરંતુ ગઠબંધનની સરકાર હજુ સુધી મુશ્કેલમાં છે. વર્તમાન રાજકીય ઘટનાક્રમને ધ્યાનમાં લેવામાં આવે તો ભાજપને લોકસભાની ચૂંટણીમાં જોરદાર ટક્કરનો સામનો કરવો પડશે. કોંગ્રેસને તુટી ગયેલી પાર્ટીને એકત્રિત કરવા માટે પ્રયાસ કરવાના રહેશે. રાજ્યમાં ક્ષેત્રીય પક્ષો હજુ સુધી તેમની તાકાત દર્શાવી શક્યા નથી. આ પક્ષો સત્તારૂઢ પાર્ટીની સાથે મળીને જ સત્તા ભોગતા રહ્યા છે. તૃણમુળ કોંગ્રેસ,આમ આદમી પાર્ટી, શિવ સેના, લેફ્ટ દળો પોતાની સ્થિતીને સુધારી દેવાના પ્રયાસો તો કરી રહ્યા છે પરંતુ સામાન્ય લોકોની વચ્ચે પોતાની છાપને રજૂ કરવામાં સફળ સાબિત થયા નથી.
છેલ્લી લોકસભાની ચૂંટણીમાં મોદી લહેરના કારણે બંને લોકસભા બેઠક ભાજપે જીતી લીધી હતી. ઉત્તર ગોવાની બેઠકમાં શ્રીપદ નાઇક અને દક્ષિણ ગોવાની સીટ પરથી નરેન્દ્ર સવાઇકરે જીત મેળવી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૭માં ગોવા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને લોકોનુ સમર્થન મળ્યુ હતુ. જો કે તે બહુમતિના આંકડા સુધી પહોંચવામાં નિષ્ફળ રહેતી તેની તકલીફ વધી ગઇ હતી. કોંગ્રેસમાં બળવો થઇ ગયો હતો. કોંગ્રેસના અડધાથી વધારે નેતા ભાજપમાં સામેલ થઇ ગયા હતા. જેના કારણે જનાદેશને મોટો ફટકો પડ્યો હતો. ભાજપની તાકાતની વાત કરવામાં આવે તો કેન્દ્રિય યોજનાઓના પ્રચારના કારણે વિકાસ કામ થઇ રહ્યુ છે. મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર લોકોનો વિશ્વાસ છે. ક્ષેત્રીય પક્ષોનો ટેકો પણ ભાજપને મળી રહ્યો છે. ગોવામાં આવનાર લોકસભાની ચૂંટણીના પરિણામોની અસર દુરગામી રહેનાર છે.