ગ્લોબલ ટી૨૦ : ગેઇલે એક ઓવરમાં ૩૨ રન ફટકાર્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બ્રેમ્પટન : ક્રિસ ગેઇલ દુનિયાના અનેક મેદાનમાં જોરદાર વિસ્ફોટક ઇનિગ્સ રમી ચુક્યો છે. હવે ક્રિસ ગેઇલે ફરી એકવાર જોરદાર ઇનિગ્સ રમી છે. કેનેડામાં બ્રેમ્પટન મેદાન ખાતે વેન્કુવર નાઇટ્‌સ તરફથી રમતા ક્રિસ ગેઇલે આ વખતે એક જ ઓવરમાં ૩૨ રન ફટકારી દીધા છે. આ મેચમાં ક્રિસ ગેઇલે ૯૪ રનની ઝંઝાવતી ઇનિગ્સ રમી હતી. ગેઇલે રોયલ્સના પાકિસ્તાની બોલર શાદાબ ખાનની એક ઓવરમાં જ ચાર છગ્ગા અને બે ચોગ્ગા ફટકારીને ૩૨ રન લઇ લીધા હતા. શાદાબ ખાન ઇનિગ્સની ૧૩મી ઓવર ફેંકવા માટે આવ્યો હતો. ગેઇલે આ લેગ સ્પીનરની ઓવરમાં ઝંઝાવતી બેટિંગ કરી હતી.

ક્રિસ ગેઇલે આ ઇનિગ્સમાં છ ચોગ્ગા અને નવ છગ્ગા ફટકાર્યા હતા. ક્રિસ ગેઇલ કેનેડા ગ્લોબલ ટી૨૦  લીગમાં જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આ સિરિઝમાં તે પહેલા સદી પણ કરી ચુક્યો છે. ગેઇલે હજુ સુધી ચાર મેચોમાં ૨૦૨ રનની સરેરાશ સાથે ૨૭૩ રન બનાવ્યા છે. તે આ સ્પર્ધામાં સૌથી વધારે રન કરનાર બેટ્‌સમેન તરીકે છે. તે આ ટુર્નામેન્ટમાં હજુ સુધી ૨૨ ચોગ્ગા અને ૨૩ છગ્ગા ફટકારી ચુક્યો છે. ત્યારબાદ બીજા સ્થાન પર ક્રિસ લેન છે. જે ત્રણ ઇનિગ્સમા ૧૬૯ રન કરી ચુક્યો છે.

ભારતના યુવરાજ સિંહે પણ જોરદાર બેટિંગ કરી છે. તે ત્રણ મેચોમાં ૯૪ રન કરી ચુક્યો છે. ગ્લોબલ ટી૨૦ લીગમાં હવે વેનકુવર રોયલ્સની ટીમ ચાર મેચોમાં બે મેચો જીતીને બીજા સ્થાન પર છે. જ્યારે એડમોન્ટન રોયલ્સ ચાર મેચોમાં એક પણ મેચ ન જીતતા તે સૌથી પાછળ છે. તમામ લોકો જાણે છે કે ગેઇલ ભારતની સામે રમાઇ રહેલી ટ્‌વેન્ટી-૨૦ સિરિઝમાં હિસ્સા તરીકે નથી. જો કે તે વનડે શ્રેણીમાં પોતાની ટીમ વિન્ડીઝ તરફથી રમનાર છે. ટ્‌વેન્ટીમાં તેની ગેરહાજરી ભારે આશ્ચર્ય સર્જે છે. તેની ગેરહાજરીને લઇને પસંદગીકારો પર પ્રશ્નો ઉઠ્યા છે.

Share This Article