શ્રી ભગવાન ઉવાચ ,
” પાર્થ નૈવેહ નામુત્ર વિનાશ્સ્તસ્ય વિદ્યતે I
ન હિ કલ્યાણક્રુત્કશિદ દુર્ગતિ તાત ગચ્છતિ.II ૬/૪૦ II “
અર્થ— શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં પરોવાયેલા તે પુરુષનો નાશ આ લોકમાં કે પરલોકમાં પણ થતો નથી. કલ્યાણકારી કાર્ય કરનાર કોઇપણ દુર્ગતિને પામતો નથી.
બહુ સરસ બોધ છે. જો તમે તમારો નાશ ન થાય એવું ઇચ્છતા હો તો તમારે સદા ય કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં જ જોડાયેલું રહેવું જોઇએ. આત્માનો તો નાશ થતો જ નથી તે તો અવિનાશી છે પણ તમે જે નામ ધારણ કરેલું છે તે તમારે લોકોમાં લાંબો સમય યાદ રહે તેવું કશું ક કરવું હોય તો એના માટેનો ઉપાય છે કલ્યાણકારી પ્રવૃત્તિ. ભગવાને આ શ્ર્લોકમાં એવું પણ સ્પષ્ટ કરેલ છે કે આવી કલ્યાણકારી પ્રવૃત્તિ કરનારની દુર્ગતિ પણ થતી નથી. મને લાગે છે કે કલ્યાણકારી પ્રવૃત્તિઓના બે ભાગ પડે શકે છે, પહેલા ભાગમાં એવી પ્રવૃત્તિનો સમાવેશ થાય કે જે લોકોના – સમાજના કે કોઇ ચોક્કસ વ્યક્તિના ભૌતિક કલ્યાણને જ ધ્યાનમાં રાખીને કરવામાં આવે . જ્યારે બીજા ભાગમાં અભૌતિક એટલે લોકો અથવા જે તે વ્યક્તિઓના આત્મિક કલ્યાણને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે તેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.. સંતો અને મહાત્માઓ જે પ્રકારની આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરે છે તેને આત્મિક કલ્યાણ માટેને પ્રવૃત્તિ કહી શકાય. જ્યારે મોટા મોટા દાનવીરો, સંસ્થાઓ ,ઔધોગિક ગ્રુહો, ટ્રસ્ટો વગેરે દ્વારા લોકોની સમાજ કલ્યાણની જે પ્રવૃત્તિઓ થાય છે તેને ભૌતિક કલ્યાણમાં આવરી શકાય છે. દુર્ગતિ થતી નથી તેનો અર્થ એવો થાય છે કે કોઇ શારીરીક નવી યાતનાઓ ભોગવવાની આવતી નથી. અને જેના હૈયે લોકોનું માત્ર અને માત્ર કલ્યાણ જ વસેલું હોય તેને ભગવાન પણ શું કામ કોઇ તકલીફ આપે ? જો આ બાબતે વધારે ચિંતન કરીએ તો એમ પણ કહી શકાય કે તમે લોકોના ભૌતિક કે આધ્યાત્મિક કલ્યાણનું કોઇ કામ કરો છો ત્યારે એ કામ કર્યાનો તમને ભરપૂર આત્મસંતોષ મળે છે અને તેનો આનંદ પણ અવર્ણનીય હોય છે. પછી અહીં કોઇપણ રીતે દુર્ગતિની વાત આવતી જ નથી. હંમેશાં સારુ થવાની ભાવના રાખનાર માણસને કોઇ તકલીફ પડતી નથી એ સાવ સ્પષ્ટ છે. આવો, આપણે આપણા જીવનને લોકકલ્યાણના યજ્ઞમાં જોડી દઇએ.અસ્તુ.
અનંત પટેલ