છોકરીઓનું બ્રેઈનવોશ કરવા માટે મસ્જીદ લઇ જવામાં આવી : VHP

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ગોવાની એક સ્કૂલની હિંદુ છોકરીઓને હિજાબ પહેરીને મસ્જિદમાં લઈ જવાનો અને તેમને વજૂ કરાવવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે આ કૃત્ય SIO એટલે કે સ્ટુડન્ટ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવ્યું છે. સંબંધિત ફોટા અને વીડિયો સામે આવ્યા બાદ હિંદુ સંગઠનોએ હોબાળો શરૂ કરી દીધો છે. SIO પર ધર્મ પરિવર્તનનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવતા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. SIOએ આ આરોપોને ફગાવી દીધા છે. હાલ આ મામલો સામે આવ્યા બાદ શાળા શિક્ષણ વિભાગે શાળાના આચાર્યને સસ્પેન્ડ કરીને મામલાની તપાસ શરૂ કરી છે.

પોલીસે આ મામલે એફઆઈઆર પણ નોંધી તપાસ શરૂ કરી છે. આમ છતાં હિદુ સંગઠનોનો ગુસ્સો ઓછો થવાનો કોઈ સંકેત દેખાઈ રહ્યો નથી. આ સંગઠનોએ સવાલો ઉઠાવ્યા છે કે હિંદુ છોકરીઓને મસ્જિદમાં શા માટે લઈ જવામાં આવે છે, તેમને હિજાબ કેમ પહેરાવવામાં આવે છે અને તેમને વજૂ કરવા માટે શા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. આરોપ છે કે SIOના રાષ્ટ્ર વિરોધી સંગઠનો સાથે સંબંધો છે અને ધર્મ પરિવર્તનના હેતુથી આ છોકરીઓનું બ્રેઈનવોશ કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. હિંદુ સંગઠને કહ્યું કે શિક્ષણ વિભાગ કે સ્કૂલ મેનેજમેન્ટે ન તો આ છોકરીઓના માતા-પિતાને મસ્જિદ લઈ જતા પહેલા જાણ કરી અને ન તો આ માટે તેમની પરવાનગી લીધી.

આરોપ છે કે SIOના કહેવા પર સ્કૂલના પ્રિન્સિપાલે વિદ્યાર્થિનીઓને લાલચ આપી અને તેમને અન્ય ધર્મની પ્રાર્થના કરવા દબાણ કર્યું હતું. જો કે મામલો વણસતા રાજ્યના શિક્ષણ વિભાગે પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરી દીધા છે અને સ્કૂલ મેનેજમેન્ટ પાસે ખુલાસો માંગ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના બે-ત્રણ દિવસ પહેલા બની હતી, પરંતુ તેની તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ હવે લોકોને તેની ખબર પડી છે. આ સંદર્ભે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ વાસ્કો પોલીસ સ્ટેશનમાં વાસ્કો ટાઉન સ્થિત શાળાના આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Share This Article