છોકરીને ચાલુ લોકલ ટ્રેનમાં છાતીમાં દુઃખાવો ઉપડ્યો, બે મહિલા ટિકિટ ચેકરે જીવ બચાવ્યો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

૧૯ વર્ષની છોકરી મુંબઈમાં લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી હતી ત્યારે અચાનક તેને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. આ દરમિયાન તેની સાથે મુસાફરી કરનારા અન્ય મુસાફરોએ ઘટના અંગે આગળ જાણ કરી અને બે મહિલા ટિકિટ ચેકર તાત્કાલિક જાણે ભગવાન બનીને ત્યાં આવી પહોંચ્યા હતા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ્‌સ પ્રમાણે છોકરીને છાતીમાં દુઃખાવો ઉપડતા દીપા વૈદ્ય અને જૈન માર્સેલા સિબિલ ટિકિટ ચેકિંગમાં વ્યસ્ત હતા અને તેમને ટ્રેનમાં આવેલી ઈમર્જન્સી વિશે જાણ થતાં તાત્કાલિક પગલા ભરીને ૧૯ વર્ષની છોકરીનો જીવ બચાવી લીધો હતો. રિપોર્ટ પ્રમાણે શનિવારે આ ઘટના બની હતી, જેમાં યુવતી છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. આ ઘટનાને યાદ કરતા માર્સેલા જણાવે છે કે, તેમને ઘટના અંગે વિગત મળતા તેમણે તાત્કાલિક થાને સ્ટેશન માસ્તરને ફોન કરીને જાણ કરી હતી અને પ્લેટફોર્મ નંબર ૯/૧૦ પર વ્હીલચેર તૈયાર રાખવા માટે જણાવ્યું હતું. જેવા ટિકિટ ચેકર સ્ટેશન પર પહોંચ્યા કે તેમણે વ્હીલચેરની મદદથી યુવતીને પ્લેટફોર્મ પર બનેલા ક્લિનિકમાં પહોંચાડી હતી. જ્યારે માર્સેલા યુવતીને ક્લિનિક પર પહોંચાડી રહ્યા હતા ત્યારે અન્ય ટિકિટ ચેકર દીપા એ વાતનું ધ્યાન રાખી રહ્યા હતા કે યુવતીની તબિયત વધારે ખરાબ તો થઈ રહી નથીને!

જોકે, પછી યુવતીને છાતીમાં વધારે દુઃખાવો શરુ થયો હતો અને તેને સરકારી હોસ્પિટલમાં ખેસડવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. રિપોર્ટમાં માર્સેલાએ જણાવ્યું કે, “યુવતીની મેડિકલ હિસ્ટ્રી ચકાસ્યા બાદ તેને સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી, શરુઆતમાં અમને હળવા હૃદયના હુમલા જેવી સ્થિતિ લાગતી હતી. પરંતુ ડૉક્ટરે તપાસ કરી તો માલુમ પડ્યું કે યુવતીને છાતીની બીમારી હતી, અને જેના કારણે જ તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને છાતીમાં અસહ્ય દુઃખાવો થતો હતો.” બનાવ અંગે યુવતીના વાલીને જાણ કરવામાં આવી હતી, જેમાં સૌથી પહેલા તેના માતા હોસ્પિટલ દોડી આવ્યા હતા, અને તેમણે જોયું કે તેમની દીકરી સુરક્ષિત છે. યુવતીના માતાએ દીકરીને તાત્કાલિક મદદ કરનારા બન્ને મહિલા ટિકિટ ચેકરનો આભાર વ્યક્ત કર્યો હતો.

વધુ તપાસ માટે યુવતીના CT સ્કેન સહિતના રિપોર્ટ્‌સ પણ કરવામાં આવ્યા હતા. જ્યાં સુધી યુવતીના ઘરેથી કોઈ આવી ના જાય ત્યાં સુધી એક માની જે બન્ને મહિલા ટિકિટ ચેકર યુવતીની સતત સાથે રહ્યા હતા. રેલવેએ પણ મહિલા સ્ટાફે ઈમર્જન્સીમાં ભરેલા તાત્કાલિક પગલા પગલા માટે તેમનો આભાર વ્યક્ત કર્યો છે.

Share This Article