અમદાવાદ: ટેક્સટાઇલ-ગારમેન્ટના માન્ચેસ્ટર ગણાતા એવા ગુજરાતના ઉદ્યોગોને વેગ આપવા માટે સતત પ્રયાસો થઇ રહ્યાં છે. ગુજરાતનો ગારમેન્ટ ઉદ્યોગ દેશ-વિદેશમાં પ્રચલિત છે. વેપારને વેગ આપવા માટે ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ગાંધીનગરમાં હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 37માં ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્યોગકારો સાતમ-આઠમ, રક્ષાબંધન, નવરાત્રી-દિવાળી અન્ય તહેવારો ઉપરાંત વિન્ટર કેલક્શન તથા લગ્નની સિઝન અને ફેશન તેમજ નવી ટેક્નોલોજી સાથે સજ્જ બની વેપારને વેગ આપવા આતુર છે. ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ ટ્રેડ ફેરમાં ૧૦૦૦ થી વધુ બ્રાન્ડ્સની ઉપસ્થિત રહી પ્રદર્શન કરશે.આ સાથે આ વર્ષે નવા ઉદ્યોગસાહસિક નવા વેપારીઓ અને નવા સ્ટાર્ટઅપ્સ પણ ભાગ લઈ રહ્યા છે. અમદાવાદ ખાતે 25-26-27 જૂલાઇ દરમિયાન યોજાઈ રહેલ રહેલ ટ્રેડ ફેરમાં ત્રણ દિવસ દરમિયાન દેશભરના મોટા ભાગના રાજ્યોમાંથી અંદાજે 25000-30000 જેટલા ખરીદદારો આવશે જેમાં રિટેલર, હોલસેલર, ડિસ્ટ્રીબ્યુટર તેમજ હિન્દુસ્તાનમાંથી મોટી મોટી ચેન સ્ટોર તેમજ તમામ પરચેઝ ઓફિસર્સ આવશે. ટ્રેડફેરમાં 350થી વધુ સહયોગીઓ દ્વારા 25000થી વધુ ફેશન પ્રોડક્ટ રજૂ કરવામાં આવશે. બીટુબી ટ્રેડ ફેરમાં મોટા પાયે ઓર્ડરની આશા ઉદ્યોગકારો સેવી રહ્યાં છે. આ ટ્રેડ ફેરના પ્રથમ દિવસે ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે દયાળ લાલવાણી (જય & સોહમ પ્રાઇવેટ લિમિટેડ), પ્રકાશ / કુશાલ દરજી (કુશાલ ક્લોથિંગ એલએલપી), રાજુ કોઠારી (લી વી અપેરલ્સ) ઉપસ્થિત રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, વિજય પુરોહિત (પ્રેસિડેન્ટ, GGMA), દિલીપ બેલાણી (માનનીય સેક્રેટરી, જીજીએમએ) તથા અર્પણ શાહ (સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, ફેર ઇન્ચાર્જ, GGMA) અને તમામ કમિટી મેમ્બરની અદ્ભૂત કામગીરી દ્વારા આ ટ્રેડ ફેરનું આયોજન સફળ રીતે થયું છે. ચેરમેન ફેર કમિટીમાં મનીષ ઠુમ્મર, સુરેશ દરજી તથા વિજય શાહનો સમાવેશ થાય છે.
GGMAના પ્રમુખ વિજય પુરોહિતે જણાવ્યું, “ગારમેન્ટ ઉદ્યોગનું ભવિષ્ય ખુબ જ ઉજ્જવળ છે, કારણ કે આ ઉદ્યોગ સાથે પ્રતિભાશાળી યુવાન અને સ્કિલ કારીગરો જોડાયેલા છે, ગારમેન્ટ ફેર એક સીમાચિહ્નરૂપ રહેશે, કારણ કે છેલ્લા થોડા સમયથી જે તકલીફોનો સામનો દુનિયા કરી રહી હતી તેમાંથી હવે બધા ધીરે ધીરે બહાર આવી રહ્યા છીએ અને આવનાર તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી ગારમેન્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોને ખૂબ જ સારા પ્રમાણમાં કામ મળે તે માટે ભારતના તમામ રાજ્યોમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ઓર્ડર આપી શકે તેવા વેપારીઓને વિશેષ રીતે આ ટ્રેડ ફેરમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. ઉપરાંત, ઇન્ડસ્ટ્રીઝની લાંબા સમયથી જે એપેરલ પાર્કની માંગ હતી, તેને એસોસિએશનના સપોર્ટ દ્વારા આગામી ટુંકાગાળામાં પૂર્ણ કરવામાં આવશે.” આ સાથે જીજીએમએ એક સ્લોગન – પીપીપી – પ્રાઈસ, પ્રોડક્ટ અને પ્રોડક્સન પર કાર્ય કરી રહ્યું છે. જેથી કસ્ટમરને ઓછામાં ઓછી પ્રાઈસ, સારામાં સારી ક્વોલિટી સાથેની જીરો ડિફેક્ટ પ્રોડક્ટ અને ઉચ્ચ કક્ષાના પ્રોડક્સન સાથે વધુમાં વધુ સપ્લાય મળી રહે તે છે જેથી દરેક બ્રાન્ડ સામે ઉચ્ચ કક્ષાની બ્રાન્ડ સમયસર આપી શકે.
આ ટ્રેડ ફેરમાં આવનારી સિઝનને ધ્યાનમાં રાખી અને ખૂબ જ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને અમદાવાદ અને ગુજરાતના મેન્યુફેક્ચરર ખૂબ જ સારા ફેશનેબલ ગારમેન્ટનું પ્રદર્શન કરશે. આ ગારમેન્ટ ફેર થકી ફરી એકવાર ગુજરાતનું ગારમેન્ટ ઉદ્યોગ ધમધમતો થશે અને રોજગારીની ખૂબ મોટી તકો ઊભી થશે.
GGMAએ ટ્રેડ ફેરના ઇન્ચાર્જ અર્પણ શાહે જણાવ્યું, “ગુજરાતમાં 25000થી વધુ નાના-મોટા ગારમેન્ટ ઉત્પાદકો આવેલા છે, જેમાં માત્ર અમદાવાદમાં જ 15000 ઉત્પાદકો છે. આ સેક્ટર ગુજરાતમાં પ્રત્યક્ષ-પરોક્ષ રૂપે 20 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે, ત્યારે આ સેક્ટરને વેગ મળે તે આવશ્યક છે. ટ્રેડ ફેરના કારણે સેક્ટર ઝડપી વેગ પકડે તેવી આશા છે. ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ સાથે ફેબ્રિક, વોશીંગ, એસેસરિઝ તથા પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ પણ સંકળાયેલી છે જેના વેપારને પણ વેગ મળશે.”
ગુજરાત ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ નેશનલ-આંતરરાષ્ટ્રીય સ્તર પર વૈશ્વિક હબ તરીકે ઉભરી આવ્યું છે. દેશમાં ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં બીજા રાજ્યોની સમકક્ષ ગુજરાતમાં અમદાવાદનો ક્રમ આવે છે, જેના કારણે ગુજરાતના મેન્યુફેક્ચર્સને સારા ઓર્ડર મળી રહ્યાં છે. લાંબા સમયથી અટવાઇ પડેલા વેપારને વેગ આપવા માટે ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના દિલ્હી, મુંબઇ, કલકત્તા, લુધિયાણા, કેરલા, ચૈન્નઇ, હૅદ્રાબાદ, બિહાર જેવા અન્ય શહેરોમાંથી ખરીદદારો મોટી પ્રમાણમાં ઉપસ્થિત રહી આગામી પાંચથી છ માસના ઓર્ડર બુક કરે તેવી સંભાવના છે. આ ટ્રેડ ફેરના આયોજન થકી છેલ્લા લાંબા સમયથી મંદીના માહોલમાં સપડાયેલા ઉદ્યોગને રાહત મળી શકશે.