કેન્દ્ર સરકારે Drugs & Cosmetics Rules – 1945માં સંશોધન કરી મહત્વનો સુધારો કર્યો હોવાનું કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવેલ છે.
આ સુધારા મુજબ હવે દવાનાં પેકીંગમાં દવાનું “ટ્રેડ નેમ” કે “બ્રાંડ નેમ” ની સાથે તેનું જે “સોલ્ટ નેમ” (જેનેરિક નેમ) છાપવામાં આવે છે, તે “સોલ્ટ નેમ” 2 (બે) સાઈઝ મોટા ફોન્ટમાં છાપવાનું રહેશે, આમ “બ્રાંડ નેમ” કે “ટ્રેડ નેમ” કરતાં તેનું “જેનેરીક નેમ” 2 (બે) સાઈઝ મોટા ફોન્ટ (અક્ષરે)થી છપાશે. આ સુધારો ૧૩ સપ્ટેમ્બર,૨૦૧૮થી અમલમાં આવશે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વધુમાં જણાવેલ કે જેનેરીક નેમ મોટા અક્ષરે છપાતાં દર્દીઓમાં જેનેરીક નામની ઓળખ મજબુત બનશે, અને તેઓને સસ્તી-ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ ખરીદવા જાણકારી તથા પ્રોત્સાહન મળશે.
આ અગાઉ “મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા” એ પણ ૨૧ એપ્રિલ, ૨૦૧૭નાં રોજ એક એડવાયઝરી ઈશ્યુ કરી ડોક્ટર્સને તેના પ્રિસ્ક્રિપ્શનમાં જેનેરિક નેમ કેપિટલ અક્ષરમાં લખવા સલાહ આપેલ છે.
સસ્તી-ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ સહેલાઈથી મળી રહે તે માટે દેશભરમાં “પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના” અંતર્ગત ૩૨૮૦ જેટલા જન ઔષધી કેન્દ્ર ખોલવામાં આવેલ છે, જ્યાં દર્દીઓને ૫૦% થી ૯૦% જેટલા સસ્તાદરે જેનેરિક દવા મળી રહી છે. દરરોજ નવા જન ઔષધી કેન્દ્ર ખુલી રહ્યા છે અને અમારું લક્ષ્યાંક છે કે દેશનાં બ્લોક (તાલુકા) સ્તર સુધી ઓછામાં ઓછો એક આવો મેડિકલ સ્ટોર ખુલે જ્યાં લોકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવા મળે, તેમ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ અંતમાં ઉમેરેલ છે.