નવી દિલ્હી : લોકસભામાં બિલને પાસ કરવામાં આવ્યા બાદ આજે રાજ્યસભામાં ગરીબ સવર્ણો માટે ૧૦ ટકા અનામતની જાગવાઇ ધરાવતુ બંધારણીય સુધારા બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યુ હતુ. ભારે ધાંધલ ધમાલ વચ્ચે આ બિલ રજૂ કરવામાં આવ્યુ હતુ. મોદી સરકારની રાજ્યસભામાં અગ્નિ કસોટી થનાર છે. કારણ કે અહીં સરકાર પાસે બહુમતિ નથી. કેબિનેટે સોમવારના દિવસે ઉચ્ચ સવર્ણ જાતિઓના આર્થિકરીતે નબળા લોકો માટે ૧૦ ટકા અનામતને લીલીઝંડી આપી હતી.
ગરીબ સવર્ણો માટે સરકારી નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામતના પ્રસ્તાવને લીલીઝંડી આપી હતી. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર અનામતની આ નવી ફોર્મ્યુલાને લાગૂ કરવા માટે અનામતના ક્વોટાને વધારવાની હિલચાલ ધરાવે છે.
ભારતીય બંધારણમાં આર્થિક આધાર પર અનામતની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં સરકારની પાસે ગેમચેન્જર ગણાતી આ હિલચાલને અમલી કરવા માટે બંધારણીય સુધારાનો એકમાત્ર રસ્તો રહેલો છે. રાજ્યસભામાં હવે ઉગ્ર ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે. અનામત બિલ પર કલાકો સુધી ચર્ચા ચાલનાર છે. અહીં પણ ટેકો મળી શકે છે તેમ માનવામાં આવે છે.