ગીતાદર્શન

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ગીતાદર્શન

“કર્મેંદ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન ।
ઇંદ્રિયાર્થાંવિમૂઢાત્મા મિથ્યાચાર: સ ઉચ્યતે ॥ ૩/૬॥ “

અર્થ- જે મનુષ્ય બહારથી પોતાની ઇંદ્રિયોનો બળપૂર્વક કાબૂ કરે અને મનની અંદર વિષયોનું સેવન કરે તે ઢોંગી છે.

“યસ્ત્વિંદ્રિયાણિ મનસા નિયમ્યારભતેઅર્જુન ।
કર્મેંદ્રિયૈ: કર્મયોગમસક્ત: સ વિશિષ્યતે ॥ ૩/૭ ॥”

અર્થ-  મનથી પોતાની ઇંદ્રિયોનો સંયમ સાધીને જે ફળની આશા  વગર સહજ રીતે કર્મોનું અનુંષ્ઠાન કરે છે તે ઉત્તમ છે .

ભગવાને અહીંયાં ઢોંગ કોને કહેવાય તે સારી રીતે સમજાવ્યું છે. કેટલાક માણસો એવા હોય છે જે બહારથી સાધુ સંત જેવા દેખાતા હોય છે પણ અંદરખાને  તો એ  વિષયોથી આસક્ત હોય છે. પોતાની ઇંદ્રિયોને બળપૂર્વક નિયંત્રણમાં રાખનારા જો તક મળે તો વિષયોને ભોગવવાનું ચૂક્તા નથી તેવા મનુષ્યો ઢોંગી છે તેમનો કદાપિ વિશ્વાસ કરી શકાય નહિ કે તેમને કોઇ મહત્વનું હોય તેવું જવાબદારીવાળુ કામ પણ સોંપવું જોઇએ નહિ. સમાજમાં આવા ઢોંગી માણસોનો કંઈ તોટો નથી. કોઇ માણસ આપણી પાસે આવે અને ધર્મની તેમજ ભક્તિની સારી સારી વાતો કરે ત્યારે તેની વાતો પર કે વિચારો પર એકદમ ભરોસો કરવો નહિ કેમ કે તેમાં તેની કોઇ ચાલબાજી પણ હોઇ શકે છે અને તે આપણને ક્યાંક ફસાવી દે તેવું પણ બની શકે. અહીં ભગવાને ઇંદ્રિય ઉપર કાબૂ રાખ્યો છે  તેવા બાહ્ય દેખાવ નો વિરોધ કર્યો છે અને કામના કે વાસનાનો સાચો ત્યાગ તો ત્યારે જ કરેલ ગણાય કે જો તમે મનથી પણ તેનો સંપૂર્ણ ત્યાગ કરી શકો તો…… અને તો જ તમે ખરા અર્થમાં ત્યાગી પણ કહેવાઇ શકશો .

ભગવાને ઉત્તમ મનુષ્ય કોને કહેવો તે પણ સ્પષ્ટ કરી દીધુ છે. જે મનુષ્ય પોતાની ઇંદ્રિયોને સંયમમાં રાખીને કાંઇપણ ફળની આશા રાખ્યા વિના પોતાનું કર્મ કરે જાય તે મનુષ્ય જ ઉત્તમ ગણાય. આ બંને શ્ર્લોક ઉપરથી આપણે માર્ગદર્શન લઈને  ઉત્તમ બનવાના પ્રયત્નો કરવાના છે. આપણે પેલા મનમાં વાસનાઓ લઇને ફરનારા  ઢોંગી બનવાનું નથી. અહીંયાં કર્મોનું અનુંષ્ઠાન એવો શબ્દ પ્રયોગ કરેલ  છે જે ખૂબજ વિચારણા માગી લે છે. અનુંષ્ઠાનનો સાદો અર્થ લઈએ તો કોઇક ચોક્કસ વિધિપૂર્વકનું આયોજન એવો અર્થ થાય.  જે ધ્યાને લેતાં સ્પષ્ટ થાય છે કે આપણે ફળની આશા રાખ્યા વિના કર્મમાં પ્રવૃત્ત થવાનું  છે અને આડેધડ રીતે તેમાં પ્રવૃત્ત  થવાનું નથી પરંતુ તેનું સુંદર આયોજન કરવાનું છે અને તે શિસ્તબધ્ધ રીતે જ પૂર્ણ કરવાનું છે .અને આવું આયોજન આપણે કરી શકીએ તો જ આપણે સફળ થયા એમ કહી શકશું.
અસ્તુ.

  • અનંત પટેલ

anat e1526386679192

 

Share This Article