ગીતા દર્શન
” તસ્માત યસ્ય મહાબાહો નિગૃહીતાનિ સર્વશ: II
ઇન્દ્રીયાણિ ઇન્દ્રીયાર્થેભ્ય: તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા II૨/૬૮II”
અર્થ –
” તેથી હે મહાબાહો ઇન્દ્રીયોના વિષયોમાં જેની ઇન્દ્રીયો ચારે બાજુથી વશમાં આવી ગયેલી છે તેની બુધ્ધિ સ્થિર થયેલી કહેવાય છે.”
ઇન્દ્રીયોને વશ કરવાની વાત છે. આપણી ઇન્દ્રીયો આપણી દુશ્મન પણ બની શકે છે અને તે આપણી દોસ્ત પણ બની શકે તેમ છે. પરંતુ આનો આધાર આપણા ખુદ ઉપર રહેલો છે. જો આપણે ઇન્દ્રીયોને વશ ન કરી શકીએ તો એને લીધે જે પરિણામો આવે છે તે છેવટે આપણને નુક્સાનકારક જ હોય છે. ઇન્દ્રીય જ્યારે નુક્સાન થાય તેવું ફળ આપે ત્યારે તે આપણી દુશ્મન કહેવાય. ઇન્દ્રીયોને દુશ્મન બનતી અટકાવવા માટે આપણે તેમને કેળવીને ઇશ્વરની ભક્તિમાં જોતરવાની છે. એકવાર ઇન્દ્રીય ઇશ્વરની ભક્તિમાં જોડાઇ જાય તો પછી તે એનીમેળે જ ભક્તિ માર્ગે આગળ વધવા લાગે છે. ઇન્દ્રીયોને તે કામના,લાલસા,મોહ અને વાસનાની સંતુષ્ઠિના માર્ગે આગળ જશે તો તેનાથી થનારા નુક્સાનનો ડર બતાવીને તમે તેને અંકુશિત કરી શક્શો. ઇન્દ્રીયને દોસ્ત બનાવી દઇએ તો બેડો પાર થઇ જાય છે. કશી જ કોઇ ચિંતા થાય એવું બનતું જ નથી. નિરાંતે ભગવાનનું ભજન કરી શકાય છે . ઇન્દ્રીયો અંકુશમાં આવી જાય એટલે વ્યક્તિની બુધ્ધિ સ્થિર થઇ જાય છે. બુધ્ધિ સ્થિર થવી એટલે માત્ર અને માત્ર ઇશ્વરમય થઇ જવું તે. જેમ કોઇ દુશ્મનને આપણે પ્રેમપૂર્વક સમજાવટ કરીને મનાવીએ છીએ તેમ ઇન્દ્રીયોને પણ પ્રેમ અને વહાલથી પ્રબૂભક્તિમાં જોડી શકીએ છીએ. અસ્તુ.
- અનંત પટેલ