ગીતા દર્શન – ૫

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

” સુહન્મિત્રાર્યુદાસીનમધ્યસ્થા દ્વેષ્યબધુષુ  ।
સાધુસઃવપિ ચ પાપેષુ સમબુધ્ધિર્વિશિષ્યતે ॥ ૬/૯ ॥ ”

અર્થ:-

“હિતેચ્છુ, મિત્ર, શત્રુ, તટસ્થ, નિષ્પક્ષ મધ્યસ્થી, દ્વેષપાત્ર સ્વજનો, પવિત્ર અને પાપીઓ — સૌ પ્રત્યે જે સમાન ભાવ રાખે છે તે મનુષ્ય સૌથી ચઢિયાતો છે. ”

ભગવદગીતાના શ્ર્લોકોનું જેમ જેમ અધ્યયન કરતા જઈએ છીએ તેમ તેમ પ્રભૂની વધુને વધુ નજીક જવાય છે. આ શ્ર્લોકમાં જીવનમાં ચઢિયાતું કોણ ? કોણ શ્રેષ્ઠ ? એ પ્રશ્નનો અદભૂત અને સંતોષજનક જવાબ અપાયેલો છે. તમારે તમે જ્યાં છો ત્યાં શ્રેષ્ઠ થવું છે , ચઢિયાતા બનવું છે તો તેનો એક રામબાણ ઉપાય છે સમદષ્ટિ. સૌ પ્રત્યે સમતાનો ભાવ રાખીએ તો એ ભાવ વ્યક્તિને જીવનમાં ઉચ્ચતા બક્ષે છે. આ ઉચ્ચતા એટલે શું ? કોઇ ઉંચો અને મોટો હોદ્દો ? જી ના. આ ઉચ્ચતા એટલે અન્ય લોકોના મનમાં આપણા પ્રત્યેની માનની ભાવના. અંગ્રેજીમાં જે RESPECT શબ્દ છે તેમાં આનો સાચો અર્થ મને દેખાય છે. કોઇ આપણો મિત્ર હોય કે શત્રુ હોય, કોઇ તટસ્થ છે કે નથી, કોઇ પવિત્ર છે કે પાપી છે તેની પરવા કર્યા વિના આપણે સૌને એકસરખી  દ્રષ્ટિથી જ  જોવાના છે. અમીર સગાની આગતા સાગતા વધારે સારી રીતે કરવી ને ગરીબ સગાને જેમ તેમ ચલાવી લેવું તેવી ભાવના રાખવાની નથી. કોઇએ આપણું સારું કર્યુ હોય તો કોઇનાથી ભૂલ કે શરતચૂકથી કશુંક નુક્શાનકારક પણ થઇ ગયું હોય તો પણ તેનો કોઇ વાંધો કે રંજ રાખ્યા વિના આપણે બન્નેને એકસરખી ટ્રીટ્મેંટ આપીએ તો એ બન્ને જણ આપણને માનની દ્રષ્ટિથી જોશે. કોઇ અન્ય આપણને માનની નજરે જૂએ તો પછી આપણી પણ એ ફરજ થઈ જાય છે કે આપણા પ્રત્યેની એની માનભરી નજર – દ્રષ્ટિ કાયમને માટે જળવાઇ રહે તેનું આપણે સતત ધ્યાન રાખવું જ પડે.

ઉંચ નીચ, ગરીબ  તવંગર કે પારકાં પોતાનાં નો ભેદ રાખ્યા વિના દરેકને સમદ્રષ્ટીથી જોવાની ટેવ પાડવાથી આપણે જીવનમાં આપોઆપ ઉચ્ચતા (બીજાના મનમાં માનભર્યુ સ્થાન ) પ્રાપ્ત કરી શકીએ છીએ.

 

અનંત પટેલ

 

 

 

 

Share This Article