ગીતા દર્શન – ૨૧

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ગીતા દર્શન


   ” હત: વા પ્રપ્સ્યસિ સ્વર્ગમ જિત્વા વા ભોક્ષ્યસે મહીમ II
     તસ્માત  ઉત્તિષ્ઠ  કૌન્તેય  યુધ્ધાય   કૃતનિશ્ર્ચય: II ૨/૩૭ II
   ” સુખદુ:ખે  સમે  કૃત્વા   લાભાલાભૌ   જયાજયૌ  II
     તત: યુધ્ધાય યુજ્યસ્વ ન એવમ પાપમ અવાપ્સસ્યસિ II ૨/૩૮II

અર્થ :-

    ” જો તું યુધ્ધમાં હણાઇશ તો સ્વર્ગમાં જઇશ, અને વિજય પામીશ તો પૃથ્વીનું રાજ્ય ભોગવીશ માટે  હે અર્જુન તું યુધ્ધ લડવાનો નિશ્ર્ચય કરીને ઉભો થા. સુખ અને દુ:ખ, લાભ અને હાનિ, જય અને પરાજય સરખાં માનીને યુધ્ધમાં પ્રવૃત્ત થા, એમ કરવાથી તને પાપ લાગશે નહિ. ”

ભગવાન અર્જુનજીને યુધ્ધ લડવા માટેનાં સબળ કારણોની સમજ આપતાં કહે છે કે જો તું આ યુધ્ધ જીતી જઇશ તો ધરતી પરનું રાજ્ય પામવાનો છે અને જો લડતાં લડતાં  હણાઇ જઇશ તો તને સ્વર્ગમાં  સ્થાન અચૂક મળવાનું છે. આમ તારા માટે યુધ્ધ કરવું એ જ ઇષ્ટ છે. તારા જીતવાથી તુ જીવીશ ત્યાં સુધી પૃથ્વીનુ રાજ્ય તને ભોગવવા મળવાનું છે, અને જો કદાચ મૃત્યુ પામીશ તો તારાં કર્મોને કારણે તને નિશ્ર્ચિત રીતે સ્વર્ગમાં જ સ્થાન મળવાનું છે. તો આ સંજોગોમાં અર્જુન યુધ્ધ કરવા નો નિર્ણય કરે તો એ સર્વથા યોગ્ય ગણાશે. આમ આ યુધ્ધનું  ગમે તે પરિણામ આવે તે અર્જુન માટે તો સુખકર જ રહેવાનું છે તેવું ભગવાનનું  કહેવું છે. તેને કશું દુ:ખ આવવાનું જ નથી. તેના પરાજયમાં પણ સ્વર્ગમાં સ્થાન રૂપે તેને સુખ જ મળવાનું છે. આપણે આમાંથી એવો બોધ લેવાનો છે કે સત્યની- ધર્મની પડખે રહીને આપણે આપણી લડાઇ લડીએ કે નિર્ણયો લઇએ તો તે તેને કારણે આપણને કંઇ જ હાનિ કે નુક્સાન થવાનું નથી કે તેમ કરીને આપણે કોઇ પાપના ભાગીદાર પણ બનવાના નથી. સવાલ એટલો જ છે કે આપણું યુધ્ધ ધર્મના રક્ષણ માટે – સત્યના રક્ષણ માટેનુ જ હોવું જોઇએ.

અસ્તું.

  • અનંત પટેલ

 


anat e1526386679192

Share This Article