ગીતા દર્શન
” સ્વધર્મમ અપિ ચ અવેક્ષ્ય ન વિકમ્પિતુમ અર્હસિ II
ધર્મ્યાત હિ યુધ્ધાત શ્રેય: અન્યત ક્ષત્રિયસ્ય ન વિધ્યતેII ૨/૩૧ II
” યદ્ચ્છયા ચ ઉપપન્નમ સ્વર્ગદ્વારમ અપાવૃતમ II
સુખિન: ક્ષત્રિયા: પાર્થં લભન્તે યુધ્ધમ ઇદશં II ૨/૩૨ II
અર્થ :-
“વળી પોતાના ધર્મને જોઇને પણ તું કંપવાને- ચલિત થવાને યોગ્ય નથી, કેમ કે ક્ષત્રિયને માટે ધર્મયુક્ત યુધ્ધથી બીજું કશું કલ્યાણ કારી નથી. હે પાર્થ ! અનાયાસે પ્રાપ્ત થયેલું , સ્વર્ગના ખુલ્લા દ્વાર રૂપ આવું યુધ્ધ ભાગ્યશાળી ક્ષત્રિયો (યોધ્ધાઓ)ને જ મળે છે.”
અહીં આપણે ક્ષત્રિયનો અર્થ કોઇ ચોક્કસ જાતિ પૂરતો સીમિત નહિ રાખતાં ક્ષત્રિય એટલે જેની રક્ષણ કરવાની ફરજ છે તેમ માનીએ તો બાબત વધુ તર્કસંગત જણાશે. જે રક્ષક છે તેનો સ્વધર્મ પોતાના કુટુંબ સમાજ કે દેશનું રક્ષણ કરવાનો છે. પાંડવો ધર્મયુધ્ધ કરવા માટે મેદાને પડેલા છે એ કોઇનું રાજપાટ ધાક ધમકી કે જબરદ્સ્તીથી પડાવી લેવા નથી અવ્યા, તેઓ તેમના ન્યાય પૂર્ણ હક માટે મેદાને ઉભા છે. અને અર્જુન મેદાનમાં આવ્યા પછી યુધ્ધ કરવાની ના પાડે છે ત્યારે ભગવાન તેમને સ્વધર્મ શું છે તે સમજાવે છે… કોઇપણ રક્ષક માટે ધર્મ યુધ્ધ કરવું તેની પવિત્ર ફરજ છે. એમાંથી તેણે પીછે હઠ કરવી જોઇએ નહિ. આવું ધર્મના રક્ષણ માટેનુ યુધ્ધ કરવાની તક મળે તે તો તે યોધ્ધાનું અહોભાગ્ય છે. આવી તક ગુમાવવી જોઇએ નહિ. દરેક વ્યક્તિ પોતાના જીવન સમાજ કે દેશ માટેનો રક્ષક છે. દેશ માટે સરહદ પર લડતા જવાનો હોય કે દેશની આંતરિક અશાંતિ વખતે કાયદો અને વ્યવસ્થા જાળવતા પોલીસ અમલદારો હોય, સૌએ પોતાને સોંપાયેલી કાયદાના રક્ષણ માટેની પવિત્ર ફરજો પ્રમાણિકતા પૂર્વક બજાવવી ખૂબ જરૂરી છે… તેમાં કશી જ પીછે હઠ કરવાની નથી.
આ બાબતે વધારે ઉંડાણ પૂર્વક વિચારીએ તો દરેક વ્યક્તિએ તેની પોતાની અંદર રહેલા અવગુણ રૂપી દુશ્મનો સામે લડવાનું છે અને તે યુધ્ધમાં વિજયી બનીને પોતાના અને પોતાના કુટુંબના જીવનને સાત્વિક બનાવવાનું છે. આમ દરેક વ્યક્તિ સમાજના કે દેશના શત્રુઓ માટે એક અડીખમ યોધ્ધો છે તેમ માનીને તેણે ધર્મયુધ્ધ માટે તૈયાર જ રહેવાનું છે.
અસ્તું.
અનંત પટેલ