શ્રી ભગવાન ઉવાચ,
” અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે I
ગતાસૂનગતાસૂંશ્ર્ચ નાનુશોચન્તિ પંડિતા: II ૨/૧૧ II
અર્થ— શ્રી ભગવાન બોલ્યા :-
હે અર્જુન, તું જેનો શોક કરવો યોગ્ય નથી તેનો શોક કરે છે, અને વિધ્વતાનાં કે પંડિતાઇનાં વચનો બોલે છે. પરંતુ પંડિતો જીવતા હોય કે મૃત્યુ પામ્યા હોય એ બંને માટે આંસુ નથી વહાવતા.
અર્જુનજી દ્વારા બન્ને સૈન્યોની વચ્ચે પોતાના રથને ઉભો રખાવ્યા બાદ તેમના દ્વારા યુધ્ધ કરવાની ના પાડવામાં આવે છે ત્યારે ભગવાન શ્રી ક્રિશ્ન અર્જુનજીનો મોહ દૂર કરવા જે ઉપદેશ આપે છે તેની શરૂઆત આ શ્ર્લોકથી થાય છે. આ સમગ્ર ઉપદેશ એટલે જ ભગવદગીતા. આ શ્ર્લોકથી જ બોધની શરૂઆત થાય છે અને પહેલા જ શ્ર્લોકમાં ભગવાને પંડિતો કેવા હોય તે સમજાવી દીધું છે. એટલે કે પંડિતની વ્યાખ્યા કરી આપી છે જેના તરફ આપણે ધ્યાન આપીએ તો જણાશે કે જે પંડિત છે અર્થાત જ્ઞાની છે તે વ્યક્તિ કોઇના મરણ માટે કે જીવન માટે નથી શોક કરતા કે નથી બહુ આનંદમાં આવી જતા. પંડિતને ભગવાન ન્યુટ્રલ વ્યક્તિ ગણે છે. વધુ સારો શબ્દ પ્રયોજવો હોય તો એને આપણે સ્થિતપ્રજ્ઞ કહીશું. જે દરેક સ્થિતિમાં સ્થિર રહે તે. દુ:ખ આવે ન રડવા બેસે ને હર્ષ વખતે ન તો આનંદના હિલોળે ચઢે. અર્જુને પોતાના કુટુંબીઓને, ગુરુજનો તેમ જ સગા સંબંધીઓને હણીને રાજપાટ મેળવવાનો કોઇ અર્થ નથી તેવું જણાવ્યું ત્યારે ભગવાન તેને ઉપદેશની શરૂઆતમાં જ કહે છે કે તારે તારી પંડિતાઇ બતાવવાની કોઇ જરૂર નથી કેમ કે જે પંડિત છે તે તો જ્ઞાનથી ભરેલો હોવાને કારણે જન્મ કે મરણનો શોક કે આનંદ જ વ્યક્ત કરતો નથી .એટલે તારે આવા કારણસર કોઇ જાતના શોકમાં પડી જવાની જરૂર નથી.ભગવાને અહીં પંડિત કેવો હોય અથવા તેનાં લક્ષણો કેવાં હોય તે પણ આડકતરી રીતે સૂચવી દીધું છે. આ શ્ર્લોક પછીના શ્ર્લોકો દ્વારા ભગવાન અર્જુનના સંસારની માયા પ્રત્યેના મોહનો કેવી રીતે ભંગ કરે છે તે આપણે ક્રમશ: જોતા જવાનું છે. અને ભગવાન જીવનનાં જૂદાં સત્યો અર્જુનજીને સમજાવે છે તે આપણે પણ સમજવાની અને જેટલાં શક્ય બને તટલાંને અનુંસરવાની કોશિશ કરીશું.અસ્તું.
અનંત પટેલ