ગીતા દર્શન- ૧૬

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

                                         ગીતા દર્શન


” આશ્ર્ચ્રર્યવત પશ્યતિ કસ્ર્ચિત એનમ
આશ્ર્ચર્યવત વદતિ તથા એવ ચ અન્ય II
આશ્ર્ચર્યવત ચ એનમ અન્ય: શૃણોતિ
શ્રુત્વા અપિ એનમ વેદ ન ચ એવકશ્ર્ચિત II ૨/૨૯II “

અર્થ

“કોઇ આ આત્માને આશ્ર્ચર્ય જેવો જૂએ છે, બીજા તેને આશ્ર્ચર્ય સરખો વર્ણવે છે, કોઇ આને આશ્ર્ચર્ય જેવો સાંભળે છે તો કોઇ આને સાંભળીને પણ સમજતા નથી. ”

આત્મા શું છે તેની વાત ભગવાન અર્જુનજીને કહી રહ્યા છે. જેમ આત્મા જન્મતો નથી કે મરતો નથી, તે ભીંજાતો નથી કે સૂકાતો નથી, તે સદાને માટે હયાત છે,  તે દેહ બદલતો રહે છે, તે નિત્ય, શાશ્વત અને પુરાતન છે તેવી જ રીતે આપણામાંથી ઘણા એને આશ્ર્ચર્ય જેવો

– જૂએ છે,

– વર્ણવે  છે,

– જેવો સાભળે  છે,

– અને તે છતાં તેને સમજતા નથી.

જીવનમાં જ્યારે કોઇ વસ્તુ, સ્થિતિ કે પદાર્થ આપણે પ્રથમ વાર  જોઇએ છીએ અને તેના વિશે આપણને કશી જ ખબર પડતી નથી કે તે અંગેની કોઇ જ જાણકારી હોતી નથી ત્યારે આપણને તેના વિશે મનમાં ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. સૌ પ્રથમ તો એમ થાય છે કે આ ક્યાંથી આવેલ છે ? એની ઉત્પત્તિ કેવી રીતે થઇ હશે ? શું તે હાનિકારક તો નહિ હોય ? આવા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય એટલે એ બાબત આપણને આશ્ર્ચર્યકારક  જ લાગે એ પણ સ્વાભાવિક જ છે. દેહમાં રહેલા આત્મા સંબંધમાં પણ એવું જ છે. જ્યાં સુધી ભગવદગીતાનું  જ્ઞાન આપણને થયેલું નથી હોતું ત્યાં સુધી આત્મા આપણા સૌના માટે આશ્ર્ચર્ય સમાન જ હતો. આમ આત્માનું આવવું જવું  એ આપણા માટે ગૂઢ બાબત છે. એનો પાર આપણે પામી શકતા નથી. અને ખરું પૂછો તો એક સામાન્ય માનવી તરીકે એની ગહનતામાં પડવાથી અનેક પ્રકારનું કંન્ફ્યુઝન થવાની સંભાવના રહેલી છે. એટલે વધારે ઉંડા ઉતરવાને બદલે ભગવાને જેટલું ગીતામાં આત્મા વિશે કહ્યું છે તે સ્વીકારી લઇએ તો તે આપણા માટે   પૂરતું થશે.

અસ્તુ.

અનંત પટેલ            

Share This Article