II દેહિનોઅસ્મિન્યથાદેહે કૌમારં યૌવનં જરા I
તથા દેહાન્તરપ્રાપ્તિર્ષોરસ્તત્ર ન મુહ્યતિ II ૨/૧૩ II
અર્થ:-
જેમ જીવાત્માને આ દેહમાં બાળપણ , જુવાની અને ઘડપણની પ્રાપ્તિ થાય છે
તેવી રીતે તેને બીજા દેહની પ્રાપ્તિ પણ થાય છે. આવા ફેરફારથી ધીર અથવા તો જ્ઞાની
પુરૂષ મોહિત થઇને શોક કરવા બેસતો નથી.
ભગવાને આ શ્ર્લોકમાં દેહની જૂદી જૂદી અવસ્થાઓને ટાંકીને શરીરના અંત
પછી આત્મા બીજું શરીર પ્રાપ્ત કરે છે તે સત્યનો ઉલ્લેખ કરેલ છે, સાથે સાથે એમ કહ્યું
છે કે જેમ મનુષ્યનો દેહ બાળપણ પછી યુવાની અને તે પછી વૃધ્ધાવસ્થા ધારણ કરે છે
તેવી રીતે આત્મા પણ આ દેહનો ત્યાગ કર્યા પછી નવા દેહને ધારણ કરે છે, અને આ
બધી ઘટનાઓ એક પછી એક એમ થતી હોય છે એટલે કે ક્રમશ: થાય છે. અને ક્રમશ:
થતી ઘટનાઓ પૂર્વનિશ્ર્ચિત અથવા તો પૂર્વ નિયોજિત હોય છે તેથી જે બુધ્ધિમાન
અર્થાત જ્ઞાની લોકો છે તે આવી ક્રમશ: થતી ઘટનાઓનો લેશમાત્ર શોક કરતા નથી.
અહીં મોહિત શબ્દનો પ્રયોગ થયો છે. આપણે શરીરની કે શરીરરૂપી માયાની જૂદી જૂદી
ઇન્દ્રીયોમાંથી મળતા સુખને કારણે તેના તરફ મોહિત થયા હોઇએ છીએ. આ મોહ એક
જબરદસ્ત આકર્ષણ ઉભું કરે છે તેના લીધે વ્યક્તિ એવી સ્થિતિમાં આવી જાય છે કે અમુક
વ્યક્તિ, વસ્તું કે સુવિધા વિના જીવવાનું તેને માટે આકરૂ થઇ પડે છે. એટલે અહીં સ્પ્ષ્ટ
કરાયું છે કે જે બુધ્ધિમાન – જ્ઞાની પુરૂષ છે તે શરીર કે ઇન્દ્રીયોથી મોહિત થતો નથી અને
જ્યારે તમે કશાથી મોહિત થયા ન હોવ ત્યારે તેનો સરળતાથી ત્યાગ કરી શકો છો.
બીજી રીતે વિચારો તો જેમ દિવસ પછી રાત નિશ્ર્ચિત છે તેમ બાળપણ – યુવાની –
વૃધ્ધાવસ્થા આ બધી નિશ્ર્ચિત ઘટનાઓ છે, એ નિશ્ર્ચિત રીતે થવાની જ છે તેને માટે
તમારે કોઇ જ્યોતિષીને પૂછવાની જરૂર પણ રહેતી નથી કે મને યુવાની ક્યારે આવશે કે
મને ઘડપણ ક્યારે આવશે ? આવું કશું જ પૂછવાનું હોતું જ નથી. ટૂંકમાં ક્રમિક
ઘટનાઓનો સ્વીકાર કરવાનો છે, શરીરની અવસ્થાના મૃત્યુ સહિતના ફેરફારોને ખેલદિલી
પૂર્વક સ્વીકારવા દરેકે કટિબધ્ધ થવાનું છે. અસ્તુ.