“ દેવાન્ભાવયતાનેન તે દેવા ભાવયાન્તુ વ: ˡˡ
પરસ્પરમ ભાવયન્ત: શ્રેય: પરમવાપ્સ્યથ ˡˡ ૩/૧૧ ˡˡ “
અર્થ –
“ તમે આ યજ્ઞ દ્વારા દેવતાઓ ને પ્રસન્ન કરો, દેવતા તમને પ્રસન્ન કરશે. આવી રીતે નિસ્વાર્થ ભાવે એક બીજાનો ખ્યાલ રાખીને તમે પરમ શ્રેષ્ઠ પ્રાપ્ત કરી શકશો “
બહુ સરળ રીતે મોટી સમજદારીની વાત અહીં કહેવામાં આવી છે. એક સામાન્ય નિયમ છે કે તમે મારું ધ્યાન રાખો તો હું તમારું ધ્યાન રાખવાનો જ છું, કદાચ તમે મારું વધારે ધ્યાન રાખતા હશો, કાળજી લેતા હશો તો કદાચ હું તમારા પ્રમાણમાં ઓછું ધ્યાન રાખું કે ઓછી કાળજી રાખું એવું બને પણ હું સાવ જ તમારું ધ્યાન ન જ રાખું એવું તો બનશે જ નહિ. જો તમે યજ્ઞ દ્વારા દેવોની પૂજા કરશો, એમને સંતોષ આપશો તો બદલામાં એ પણ તમને સંતોષ આપશે જ. તમે યજ્ઞ કરો એટલે કે જે કંઇ પ્રવૃત્તિ દેવના સંદર્ભમાં હાથ ધરો તે નિસ્વાર્થભાવે અને માત્ર લોકકલ્યાણનો હેતુ રાખીને કરશો તો એ દેવને ખૂબ ગમશે, દેવને કે ભગવાનને ગમતું કામ કોઇ ભક્ત કરે તો ભગવાન એના પર કેમ રાજી ના રહે ? આમ પરસ્પરની કાળજી લઇ આપણે સમાજમાંના આપણા મિત્રો, સ્નેહીઓના સહકારથી સુખ અને શાન્તિ પામી શકીએ તેવી જરીતે દેવોનો સાથ સહકાર લઇ આપણે આપણા જીવનમાં કશું કશ્રેષ્ઠ પ્રાપ્ત કરી શકીએ છીએ. જીવન માટે શ્રેષ્ઠ શું કહેવાય? તો શાન્તિ, સંતોષ અને ચિંતારહિત જીવનની પ્રાપ્તિ એ મોટીસફળતા કહેવાયછે. આપણાથી સંતુષ્ટ થયેલા દેવો આપણને કોઇપણ પ્રકારનું કષ્ટ આપતા જ નથી. આવો, તેને માટે દેવોને યોગ્ય પૂજા અને નિસ્વાર્થસેવા ભાવનાથી પ્રસન્ન કરવાનું અત્યારથી જ શરુ કરી દઈએ.
અસ્તુ.
- અનંત પટેલ