“આપૂર્યમાણમચલપ્રતિષ્ઠં સમુદ્રમાપ: પ્રવિશાન્તિ ઉધ્ધત ??
તધ્ધ્ત્કામા યં પ્રવિશાન્તિ સર્વે સ શાન્તિમાપ્નોતિ ન કામકામી?? ૨/૭૦ ?? “
અર્થ –
“ જેવી રીતે સરિતાનું જળ સમુદ્રને અશાંત કર્યા સિવાય તેમાં સમાઇ જાય છે તેવી જ રીતે સ્થિતપ્રજ્ઞ પુરુષમાં ઉત્પન્ન થતી વૃત્તિઓ કોઇ વિકાર પેદા કર્યા વિના શાંત થઇ જાય છે ને એવો પરમ પુરુષ શાંતિને પ્રાપ્ત કરે છે. નહિ કે સામાન્ય મનુષ્ય કે જે વૃત્તિઓ પાછળ ભાગતો ફરે છે. “
નદી સાગરને મળવા માટે જ નીકળે છે તેવું કહેવાય છે. કદાચ નદીને વહેતા થયા પછી જો રસ્તામાં જ તે ન સૂકાઇ જાય તો સાગરને મળવાનું –તેમાં સમાઇ જવાનું જ હોય છે. નદી સમુદ્રમાં સમાઇ જાય છે ત્યારે તે શાંતિ અને ગંભીરતાથી સમાઇ જાય છે. તે સમુદ્રને જરાય અશાંતિ કે તકલીફમાં મૂકતી નથી. ભગવાન ગીતામાં આવી સરિતાનું ઉદાહરણ આપીને તેનેસ્થિતપ્રજ્ઞ મનુષ્યનીસાથેસરખાવે છે. સ્થિતપ્રજ્ઞ મનુષ્ય પણ આવી સમુદ્રને મળવા આવી પહોંચેલ સરિતાની માનસિકતાવાળો જ હોય છે. તેના મનમાં કોઇ વિકાર પ્રગટતા નથી. તે તેની તમામ વૃત્તિઓને સુનિયંત્રિત કરી દે છે. અને ભગવાનમાં સમાઇજાયછે. જેમ સમુદ્ર તેને મળવા આવેલી સરિતા ને ઉમળકાભેર આવકારીને સમાવી લે છે તેવી જ રીતે ભગવાનપણ આવા સ્થિતપ્રજ્ઞ મનુષ્યને કાયમને માટેપોતાનામાં જ સમાવી લે છે.
ભગવાન અહીંયાં બીજા મારા તમારા જેવા સામાન્ય મનુષ્યો વિશે પણ કહે છે કે તે સામાન્ય મનુષ્યો તો પોતાની વૃત્તિઓ અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓ સબબ સતત ભટકતા જ રહે છે. આમાંથી ઉપદેશ એ છે કે આપણે સ્થિતપ્રજ્ઞ મનુષ્ય બનવાનું છે. સ્થિતપ્રજ્ઞ એને કહેવાયછે જે ગમે તે પરિસ્થિતિ આવે તો પણ જેનું ચિત્તસદા સ્થિર જ રહે છે તેવી વ્યક્તિ. આપણે પણ પેલી સરિતાની જેમ ધીર ગંભીર બનીએ, પોતાના પ્રવાહને એકમાત્ર ઈશ્વર તરફ જ વાળીએ અને સદાને માટે તેમનામાં સમાઇ જઇએ.
અસ્તુ.
- અનંત પટેલ