ગીતા દર્શન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

    ” ઇન્દ્રીયાણામ હિ ચરતામ યત મન: અનુ વિધીયતે II
  તત અસ્ય હરતિ પ્રજ્ઞામ  વાયુ: નાવમ ઇવ અંભસિ II૨/૬૭II”

અર્થ –

” કારણકે ભટકતી ઇંદ્રીયોમાંની જે ઇન્દ્રીયને મન અનુસરે છે તે ઇન્દ્રીય આ મનુષ્યની બુધ્ધિને જેમ વાયુ નાવને પાણીમાં ખેંચી જાય છે તેમ ખેંચી જાય છે. ”

અગાઉના શ્ર્લોકમાં  ઇન્દ્રીયોને નિયંત્રિત કરવાની વાત ભગવાને સમજાવી. તે જ સંદર્ભમાં અહીં આગળ તેઓ એવું કહે છે કે જેવી રીતે પવન તરતી હોડીને પોતાના જોર મુજબ ગમે તે દિશામાં ખેંચી જાય છે, અફડા તફડી મચાવે છે, નાવને દિશાવિહિન બનાવી દે છે ને  ક્યારેક એ નાવ તે સ્થિતિમાં ડૂબી  પણ જાય છે તેવી જ રીતે નિયંત્રણમાં ન હોય તેવી ઇન્દ્રીયો પેલા પવન સમાન બનીને નાવ રૂપી મનને બુધ્ધિને  ગમે તે દિશામાં ખેંચી જાય છે. તે વ્યક્તિના મનને ભટકતું કરી દે છે.જેમ પવન ભટકતો હોય છે,તેમ ઇન્દ્રીયો પણ સદાય ભટકતી જ હોય છે. જેમ પવનને આપણે નિયંત્રણમાં રાખી શકતા નથી તેમ ઇન્દ્રીયોને પણ નિયંત્રિત કરવી ખૂબ જ મુશ્કેલ છે. ઇન્દ્રીયો પણ  પેલા વાયુની જેમ આપણા મનને બુધ્ધિને  વિચલિત કરી મૂકે છે. જીવનને  આડા પાટે  લઇ જય છે, રવાડે ચઢાવી દે છે. વ્યક્તિને માટે મન-બુધ્ધિ  અથવા  તો ઇન્દ્રીય આ બે માંથી કોઇ એકના ઉપર અંકુશ રાખવો  એ ખૂબ જ અગત્યનું  છે. જો તે એમ કરી શકશે તો જ ઇશ્વરમય બની શકશે અને અંતે જીવનનું કલ્યાણ સાધી શકશે. અસ્તુ.

  •   અનંત પટેલ

anat e1526386679192


 

Share This Article